ભકિતનું જાણે ઘોડાપૂર ઉમટયું છે. લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ માં અંબાના દર્શને પહોંચી રહ્યા છે. સ્વાઇન ફલુને લઇ વહીવટીતંત્રએ ખાસ ચોકસાઇના પગલાં લીધા છે, તો બીજીબાજુ, અંબાજી મંદિરમાં સૌપ્રથમવાર લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરાઇ છે. અંબાજી અને તેની આસપાસના સમગ્ર વિસ્તારની ફરતે અભેદ્ય સુરક્ષા કવચ ખડકી દેવાયું છે. ખાસ કરીને અંબાજી મંદિરમાં અને તેની ફરતે હાઇડેફીનેશન કવોલિટીના ૧૪૫થી વધુ સીસીટીવી કેમરા, ખાસ કંટ્રોલરૂમની વ્યવસ્થા તૈનાત કરાઇ છે, તો સાથે સાથે પાંચ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને જવાનો લાખો શ્રધ્ધાળુ ભકતોની સુરક્ષા અને સલામતી માટે તૈનાત રહેશે. ભાદરવી પૂનમના દિવસે દેશ-વિદેશમાં આવેલા અંદાજે ૩૫ લાખથી વધુ શ્રધ્ધાળુ ભકતો માં અંબાના દર્શન કરી ધન્ય બનશે.
આ પવિત્ર દિવસે અંબાજીનો મેળો પણ સુપ્રસિધ્ધ છે. રાજયભરમાંથી અને દેશ-વિદેશમાંથી લોકો ખાસ આ દિવસે અંબાજીમાં દર્શન માટે આવતા હોય છે. તો હજારો શ્રધ્ધાળુ-ભકતો પદયાત્રા કરી પગપાળા અંબાજી માતાજીના દર્શન માટે આવતા હોય છે. હાલ અંબાજીના માર્ગો પર હજારો પદયાત્રીઓ માના ધામમાં પગપાળા પહોંચી રહ્યા છે. રસ્તામાં ભકતજનો માટે ઠેર-ઠેર પાણી, ચા, લીંબુપાણી, શરબત અને છાશના કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા છે. તો બીજીબાજુ, આ વખતે રાજયભરમાં સ્વાઇન ફલુનો કહેર હોઇ મેળામાં અને ટોળામાં સ્વાઇન ફલુનો વાયરસ ઝડપથી ફેલાતો હોવાથી વહીવટી તંત્રએ આ વાયરસના ફેલાવાને અટકાવવાના ભાગરૂપે સૌપ્રથમવાર આ વખતે અંબાજીમાં અમુક નિયત સ્થળો પર લીમડા, ગુગળ અને લાખનો ધુપ અને ધુમાડો કરાઇ રહ્યો છે, જેના કારણે વાતાવરણ શુધ્ધ કરી સ્વાઇન ફલુના વાયરસનો ફેલાવો અટકાવાઇ રહ્યો છે. તો બીજીબાજુ, લાખો શ્રધ્ધાળુ ભકતોની સુરક્ષા અને સલામતીને લઇને પણ આ વખતે અંબાજીમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે અંબાજી મંદિર ખાતે ખાસ વિશાળ કંટ્રોલરૂમ ઉભો કરાયો છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સંખ્યાબંધ એલઇડી ટીવી સ્ક્રીનો પર મંદિર પરિસર અને તેની આસપાસની એકેએક ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આ વખતે સૌપ્રથમવાર અંબાજી મંદિરમાં ૧૪૫થી વધુ હાઇડેફીનેશન કવોલિટીના સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે કે જેની ૨૦ કિલોમીટર સુધીની રેન્જ છે એટલે કે, આટલા લાંબા એરિયા સુધીની એકેએક ગતિવિધિ ભારે ચોકસાઇપૂર્વક અને સ્પષ્ટ રીતે કેમેરામાં કેદ થઇ જશે. તો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો રાઉન્ડ ધ કલોક ફરજમાં તૈનાત છે. આશરે પાંચ હજારથી પોલીસ જવાનો ભાદરવી પૂનમના દર્શન અને મેળા સુધી લાખો શ્રધ્ધાળુ ભકતોની સુરક્ષા અને સલામતી વ્યવસ્થામાં તૈનાત રહેશે. ભાદરવી પૂનમના દિવસે અંદાજે ૩૫ લાખથી વધુ શ્રધ્ધાળુ ભકતો માં અંબાજીના દર્શન કરશે. દરમ્યાન લાખો ભકતો માટે અંબાજીના ખાસ પ્રસાદ માટે પણ મંદિર વહીવટીતંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે અને લાખોની સંખ્યામાં તેના પેકેટ તૈયાર થઇ રહ્યા છે.