આજથી બે દિવસ સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ દેખાશે

4307

આગામી ૨૭મી જુલાઇ અષાઢ સુદ પૂનમને શુક્રવારે ગુરૃપૂર્ણિમાના દિવસે રાત્રે ચંદ્રગ્રહણ દેખાવાનું હોય ગુરૃપૂર્ણિમાને ગ્રહણ નડશે. ૨૧મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ ૨૭ જુલાઇ થી ૨૮ જુલાઇ સુધી બે દિવસ દેખાશે. ૨૬ જુલાઇ ૧૯૫૩ના વર્ષ પછી પ્રથમવાર ૬૫ વર્ષ બાદ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે અને ચંદ્ર સંપૂર્ણ ઢંકાઇ જશે, તે બ્લડમૂન કહેવાશે. આ વર્ષના ચંદ્રગ્રહણમાં વર્ષો પછી મંગળ, બુધ અને શનિ વક્રી ગતિથી ભ્રમણ કરતા હશે. રાહુ અને કેતુ વચ્ચે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૃ, શુક્ર આવી જતા હોવાથી આંશિક કાલસર્પયોગ થશે. સાથો સાથ મકર રાશિમાં થનારૃ આ ગ્રહણ ચંદ્ર-મંગળનો લક્ષ્મીયોગ સર્જશે. એટલે કે વક્રીભ્રમણ, આંશિક કાલસર્પયોગ અને લક્ષ્મી યોગનો અનોખો સંયોગ સર્જાશે. આ ગ્રહણ ભારતમાં દેખાવવાનું હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું રહેશે. આ સદીના સૌૈથી લાંબા ચંદ્રગ્રહણ અંગે વધુ માહિતી આપતા જ્યોતિષ શાસ્ત્રના અભ્યાસુ અને ભારતીય સ્ટેટ બેન્કના ચીફ મેનેજર કિરીટભાઇ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું છે કે, ગ્રહણ એ ખગોળીય ઘટના છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક લાઇનમાં આવી જાય અને ચંદ્ર પૃથ્વીના પડછાયામાં આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.  આગામી ચંદ્રગ્રહણ અષાઢ સુદ પૂનમને શુક્રવારે રાત્રે ૧૧.૫૪ શરૃ થશે અને ૨૮મી જુલાઇ શનિવારે વહેલી સવારે ૩ કલાક ૫૦ મીનીટે પૂર્ણ થશે. આમ ૪ કલાક સુધી ચાલનારા ગ્રહણમાં શનિવારે રાત્રિના ૧ કલાક પર મિનિટથી ૨ કલાક ૪૩ મિનિટ દરમિયાન ચંદ્ર પૂર્ણ ઢંકાઇ જશે અને રક્તવર્ણનો બની જશે. જેને ખગોળીય ભાષામાં બ્લડમૂન કહે છે. આ વર્ષે ગત ૩૧મી જાન્યુઆરીએ થયેલ ચંદ્રગ્રહણમાં ચંદ્ર લાલ ત્રાંબા વર્ણનો થયો હતો. આ ચંદ્રગ્રહણમાં સૂર્યના કિરણો પૃથ્વી પર પછડાઇને ચંદ્ર પર આવશે જેથી આ ગ્રહણમાં ચંદ્ર લાલ રક્તવર્ણનો કે ત્રાંબા વર્ણીય જોવા મળશે. વાદળા નહિં હોય તો બ્લડમૂન નરી આંખે જોઇ શકાશે.

Previous articleતળાજા ખાતેના કેરાળા ગામેથી દિપડાનો મૃતદેહ મળી આવ્યો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે