ગુરૂ પુર્ણિમાંના શુભ પાવન અવસરે ગુરૂભકતા દ્વારા દર વર્ષે શહેરના નાના-મોટા તમામ વિસ્તારોમાં આકર્ષક મઢુલીઓ બનાવી તેમા પૂ. બજરંગદાસ બાપાની પ્રતિમા સ્થાપિત કરી દૃશન, પુજન અને પ્રસાદ વિતરણ સાથે ગુરૂ પુનમની ઉજવણી કરવામાં આવે છે. સામાન્યતઃ વર્ષમાં બે વાર બાપાની મઢુલી ગુરૂભક્તો દ્વારા બનાવવામાં આવે છે. જેમાં પ્રથમ અષાઢ સુદ પૂનમ વ્યાસ પૂર્ણિમાં તથા પૂ. બજરંગદાસ બાપાની નિર્વાણ તિથિ પોષ વદ ચોથના દિવસે તિથિ ઉત્સવ ઉજવવામાં આવે છે. આજે ગુરૂ પૂનમ નિમિત્તે અલગ-અલગ રીતે મઢુલીઓ બનાવી તેને શણગારવામાં આવી હતી. મોટા ભાગે ઘાસ અને વાંસથી બનાવેલી મઢુલીઓની સંખ્યા સાર્વધિક રહેવા પામી હતી. જેને ફુલ તથા અન્ય વસ્તુ વડે ડોકોરેટ કરવામાં આવી હતી. આ મઢુલીઓ ખાતે દૃશન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. ગુરૂપુર્ણિમાં નિમિત્તે આજે શહેરમાં ઠેર-ઠેર મઢુલીઓ બનાવાઈ હતી. જેમાં બોરડીગેટ, ઘોઘા સર્કલ, જિલ્લા પંચાયત, મસ્તરામબાપા મંદિર ચિત્રા, નાની ખોડિયાર મંદિર વરતેજ, રામમંત્રમંદિર, તળાજા રોડ, તખ્તેશ્વર તળેટી, પિરછલ્લા શેરી દુઃખીશ્યામબાપા મંદિર કાળીયાબીડ, આતાભાઈ ચોક, ભરતનગર, નિર્મળનગર સહિતના વિસ્તારોમાં મઢુલીઓ બનાવી હતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવેલ ત્યારે વિવિધ આશ્રમો, મંદિરો દ્વારા મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.