સદ્દગુરૂદેવ બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે આજે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભારે ભાવ અને શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુજનોની સામેલગીરી સાથે ઉત્સાહપૂર્ણ અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે આજનો મહોત્સવ સંપન્ન થયો હતો.
ગત રાત્રિ અને વહેલી સવારથી જ યાત્રાળુ અને મોટીસંખ્યામાં બાપાના ગુરૂઆશ્રમ મધ્યે પહોંચતા રહ્યાં હતા. નિયત કાર્યક્રમો મુજબ વહેલી સવારના મંગલમય માહોલ વચ્ચે પાંચ કલાકે મંગળા આરતીથી ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થઈ હતી. બાદમાં બાપા સીતારામના નાદ સાથે પવિત્ર ધ્વજાજીનું પૂજન તેમજ આરોહણ થયું હતું ત્યાર પછી યોજાયેલા પાદુકા પૂજન તથા મહિમાપૂર્ણ ગુરૂપૂજનના ભાવભર્યા કાર્યક્રમમાં ભક્તજનો જોડાયા હતા.
સવારના દસ કલાકથી અહીં હરીહરના નાદ સાથે બહેનો તથા ભાઈઓની અલગ-અલગ ભોજન શાળામાં સૌ યાત્રાળુઓએ પંગતમાં બેસીને પ્રસાદ લીધો હતો. સમગ્ર મહોત્સવમાં આજુબાજુના ગામોના આશરે પાંચ હજાર ચુનંદા સ્વયંસવકોએ મહામુલી સેવા પુરી પાડી હતી. પોલીસ વિભાગનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો. આજના દિવસે બગદાણા પહોંચવા માટે એસ.ટી. વિભાગ દ્વારા ખાસ બસો પણ દોડાવવામાં આવી હતી. સમગ્ર મહોત્સવમાં સર્વ ટ્રસ્ટી મંડળ, સ્વયંસેવકો, કાર્યકરો, ભક્તજનોની સક્રિય ભુમિકા રહી હતી. બાપા સીતારામના નાદ સાથે ધર્મમય વાતાવરણમાં આ વર્ષનો ગુરૂપૂર્ણિમા મહોત્સવ સંપન્ન થયો હતો.