ગાંધીનગર શહેર તથા જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ વચ્ચે ઝાડ તુટી પડવાનાં કારણે દુર્ઘટનાઓ સર્જાવાનાં બનાવો સતત વધી રહ્યા છે. જેમાં ગાંધીનગર શહેરમાં પણ વૃક્ષોની નીચે બેસવુ કે વાહનો પાર્ક કરવા જોખમી બની રહ્યા છે. ચોમાસાનાં વરસાદી દીવસોમાં દર વર્ષે ઝાડની ડાળીઓ તુટી પડવાનાં બનાવો સામે આવે છે. વન વિભાગ દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરીને જોખમી વૃક્ષોનું ટ્રીમીંગ પણ કરવામાં આવે છે.
ત્યારે મહાત્માં મંદિર સ્વર્ણીમ પાર્ક પાસે સેકટર ૧૫માં આવેલી સાયન્સ કોલેજનાં કેમ્પસમાં આવેલા લીંબડાની તોતીંગ ડાળી શુક્રવારે સવારે તુટી પડી હતી. સવારેનાં સમયે કોલેજીયનની અવર જવર વચ્ચે આ બનાવમાં ડાળી નીચે ૩ વાહનો દબાઇ જતા નુકશાન થયુ હતુ. જયારે એક કોલેજીયન યુવાનને મોનાં ભાગે ઇજાઓ પણ પહોચી હતી. જો કે હજુ વધારે વરસાદ પડ્યો નથી અને વાવાઝોડાનો પણ માહોલ નથી. છતા વૃક્ષોની ડાળીઓ તુટી રહી છે. ત્યારે જાહેર સ્થળો તથા રોડ સાઇડમાં આવેલા વૃક્ષોનું ટ્રીમીંગ જરૂરી બન્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે તે ચિલોડા સર્કલે એકાદ માસ પહેલા સુકુ વૃક્ષ પડવાનાં કારણે આધેડનું દબાઇ જવાથી મૃત્યુ થયુ હતુ.