મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી આત્મારામભાઈ પરમારના અધ્યક્ષસ્થાને ભાવનગરના યશવંતરાય નાટ્યગ્રુહ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહની તા. ૦૯થી ૧૪ ઓકટોબર સુધી જિલ્લામાં થનાર ઉજવણી સંદર્ભે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને મંત્રીએ જણાવ્યુ હતુ કે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં તા. ૦૯થી ૧૪ ઓકટોબર સુધી ચાલનારા બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ થકી આપણે જીવનમાં બોધપાઠ લઈને દિકરીને બચાવી અને તેને ભણાવવા માટે પ્રતિબદ્ધ થવુ પડશે. દિકરા અને દિકરી વચ્ચેનું સંતુલન જળવાશે તો જ પ્રક્રુતિનું સંતુલન જળવાશે. ભુતકાળમાં રાજાશાહીના સમયમાં દિકરીને દુધ પીતી કરવામાં આવતી હતી આ પ્રથાની સામે રાજા રામ મોહન રાય, થીયોસોફીકલ સોસાયટી, આર્ય સમાજે જનજાગ્રુતિ નું મોટા પાયે કામ કર્યુ હતુ. પુરાતનકાળમા પણ નારી શક્તિનું સમાજ નિર્માણમાં અનેરૂ યોગદાન રહ્યુ છે.
આ પ્રસંગે દિકરા દિકરીને સમાન ગણવાની સમુહમાં પ્રતિજ્ઞા લેવાઈ હતી. આ કાયક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એચ. એફ. પટેલ,મ્યુ. કમિશનર મનોજ કોઠારી, જિલ્લાની આઈ. સી. ડી. એસ. શાખાના સુપરવાઈઝર બહેનો, આંગણવાડીના વર્કર બહેનો, આરોગ્ય કર્મીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.