તબીબી સેવા અને શિક્ષણ પર તરાપ સમાન લોકશાહી વિરોધી અને ગરીબો વિરોધી એવું વિવાદીત નેશનલ મેડિકલ કમીશન(એનએમસી)બીલ-૨૦૧૭ના વિરોધમાં આજે ગુજરાતભરના ૨૭ હજારથી વધુ ડોકટરોએ જડબેસલાક હડતાળ પાડી હતી. રાજયભરમાં આજે ડોકટરોની સજ્જડ હડતાળને પગલે આરોગ્ય વિષયક અને તબીબી સેવા ખોરવાઇ ગઇ હતી. પરિણામે દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આજે સવારે ૬-૦૦ વાગ્યાથી લઇ સાંજના ૬-૦૦ વાગ્યા સુધી રાજયના તમામ દવાખાના, લેબોરેટરીમાં આરોગ્ય વિષયક સેવા ખોરવાઇ ગઇ હતી. જો કે, આકસ્મિક અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રખાઇ હતી. કેન્દ્ર સરકારના વિવાદીત એનએમસી બીલના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના ત્રણ લાખથી વધુ ડોકટરો પણ આજની હડતાળમાં જોડાઇ પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો અને એનએમસી બીલ બિનલોકશાહી, ગરીબ વિદ્યાર્થીઓને નુકસાનકર્તા અને તબીબી સેવા અને શિક્ષણના અસ્તિત્વ પર ખતરા સમાન હોઇ તેને તાત્કાલિક પાછુ ખેંચવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરી હતી. એનએમસી બીલ પાછુ ખેંચવા બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન, ગુજરાત રાજય બ્રાંચના પ્રમુખ ડો.ભૂપેન્દ્ર શાહ અને માનદ્ મંત્રી ડો.કમલેશ સૈની સહિતના પદાધિકારીઓની સહી સાથે એક વિગતવાર આવેદનપત્ર પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપ્રત કરાયું હતું.
ડોકટરોની આજની હડતાળમાં ગુજરાતની ૨૪ જુદી જુદી મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ, સરકારી હોસ્પિટલોના જુનીયર ડોકટરો અને રેસીડેન્ટ ડોકટરો પણ જોડાયા હતા. જેઓની સંખ્યા કુલ મળી પંદરથી વીસ હજાર જેટલી થવા જતી હતી.જો કે, તેઓએ માત્ર વિરોધ પ્રદર્શન કર્યા હતા, આરોગ્ય વિષયક સેવા દર્દીઓની હાલાકીને ધ્યાનમાં રાખી સરકારી હોસ્પિટલમાં ચાલુ રાખી હતી. આજની હડતાળ દરમ્યાન રાજયભરના ડોકટરોએ જિલ્લા-તાલુકા કક્ષાએ શાંતિપૂર્વક ધરણાં અને દેખાવો-રેલી પણ યોજયા હતા અને એનએમસી બીલ પાછું ખેંચવાની માંગણી સાથે જોરદાર સૂત્રોચ્ચાર પણ લગાવ્યા હતા. દરમ્યાન ઇન્ડિયન મેડિકલ એસોસીએશન, ગુજરાત રાજય બ્રાંચના પ્રમુખ ડો.ભૂપેન્દ્ર શાહ અને માનદ્ મંત્રી ડો.કમલેશ સૈનીએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં આજે એનએમસી બીલના વિરોધમાં પાડવામાં આવેલી જોરદાર સફળ રહી છે. ગુજરાતભરમાં ૨૪૪થી વધુ બ્રાંચના તમામ ડોકટરો આ હડતાળમાં જોડાયા હતા. જિલ્લા-તાલુકા કક્ષાએ રાજયની દરેક બ્રાંચમાં ડોકટરોએ એનએમસી બીલના વિરોધમાં દેખાવો, રેલી અને ધરણાંના વિરોધદર્શક કાર્યક્રમો યોજયા હતા.
અને સ્થાનિક કક્ષાએ સંસદસભ્યો સહિતના સંબંધિત સત્તાવાળાઓને આવેદનપત્ર સુપ્રત કર્યા હતા. જો કેન્દ્ર સરકાર એનએમસી બીલ પાછુ નહી ખેંચે તો, આગામી દિવસોમાં દેશભરના ડોકટરો ઇન્ડિયન મેડિકલ એસોસીએશન, નવી દિલ્હી, હેડકવાર્ટસના એલાન પ્રમાણે આગામી દિવસોમાં લડત અને હડતાળના મંડાણ કરશે તે નક્કી છે.
પ્રમુખ ડો.ભૂપેન્દ્ર શાહ અને માનદ્ મંત્રી ડો.કમલેશ સૈનીએ વધુમાં ઉમેર્યું હતું કે, એનએમસી બીલના કારણે એકબાજુ ગરીબો અને વંચિત વર્ગ માટે તબીબી શિક્ષણ અપ્રાપ્ય બની જશે. સમાજના માત્ર ધનિક અને સાધન સંપન્ન વર્ગના લોકો જ ડોક્ટર્સ બની શકશે, જે બાબત કોઇપણ ભોગે સ્વીકાર્ય ના હોઇ શકે. હકીકતમાં આ એવું બીલ છે, જે ધનિકો માટે અનામત ધરાવે છે. એમબીબીએસની ફાઈનલ પરીક્ષાને કેન્દ્રીય સ્તરે સંચાલિત રાખવાનો વિચાર ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ હાનીકારક હશે. એનએમસીના અમલથી મેડિકલ શિક્ષણ પર નિયંત્રણો મૂકાશે અને પસંદગીનો અભાવ આવશે. દરેક પ્રકારના મુદ્દાઓ માટે રાજ્યની મેડિકલ પરિષદોએ નેશનલ મેડિકલ કમિશન હેઠળ બંધનકારક બની જશે. સરકાર બળજબરીપૂર્વક આ બીલ પસાર કરવાનો પ્રયાસ કરશે તો સરકારે ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે એવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. બીલનું સમવાય વિરોધી માળખુ રાજ્ય સરકારો, રાજ્ય મેડિકલ પરિષદો અને રાજ્યની હેલ્થ યુનિવર્સિટીઓ પર તરાપ સમાન છે.