મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી આત્મારામભાઈ પરમારના અધ્યક્ષસ્થાને ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતેની ઠાકોર સમાજની વાડીમાં ઠાકોર અને કોળી વિકાસ નિગમ, રાષ્ટ્રીય પછાત વર્ગ નાણા અને વિકાસ નિગમ નવી દિલ્હી અને યુનિસેફ ગુજરાત દ્વારા જનજાગ્રુતિ અને બાળલગ્ન નાબુદી અભિયાન સંમેલન યોજાયુ હતુ.
આ પ્રસંગે મંત્રી પરમારે આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને જણાવ્યુ હતુ કે ગુજરાત ઠાકોર અને કોળી સમાજના વિકાસને માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે . શિક્ષણથી જ સમાજનો સર્વાંગી વિકાસ થાય છે તેથી દિકરા દિકરીને ભણાવી તેને આગળ વધવાની સમાન તક પુરી પાડવી જોઈએ. શિક્ષિત યુવાન અને યુવતી જ સમાજ ને સર્વાંગી વિકાસ તરફ દોરી જાય છે. બાળ લગ્ન નાબુદી માટે સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ.
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ચેરમેન નંદાજી ઠાકોરે જણાવ્યુ હતું કે વર્ષ ૧૯૯૭માં ઠાકોર અને કોળી વિકાસ નિગમની રચના કરાયા બાદ આજ દિન સુધી અંદાજે ૫૦૦/- વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે વાર્ષિક ૪ ટકાના વ્યાજે શૈક્ષણિક લોન આપવામા આવી છે.તે થકી સમાજમા ડોકટરો, ચાર્ટડ એકાઉન્ટન્ટ , વકીલો બન્યા છે.
આ પ્રસંગે આગેવાનોના હસ્તે લાભાર્થીઓને ઉચ્ચ અભ્યાસ તથા ધંધા રોજગાર અર્થે ચેક વિતરણ અને કીટ વિતરણ કરાયુ હતુ. દિકરા દિકરીને પુખ્ત ઉંમરે પરણાવવા અને બાળ લગ્ન અટકાવવાની પ્રતિજ્ઞા સમુહમા લેવાઈ હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના એમ. ડી. જશવંત ગાંધી, નગરપાલિકાના પ્રમુખ મહેશભાઈ વાસાણી,સભ્ય વલ્લભભાઈ કાંબડ, ઠાકોર સમાજના જગદીશભાઈ ઠાકોર, લીંબડીના મંજુલાબેન, ઠાકોર અને કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.