વૈશ્વિક સમસ્યા એવી ગ્લોબલ વોર્મિગની અસરના કારણે હાલના સમયમાં ઋતુઓને નક્કી કરવી અધરી બની ગઇ છે પરબતભાઇ પટેલ
વૈશ્વિક સમસ્યા એવી ગ્લોબલ વોર્મિગની અસરના કારણે હાલના સમયમાં ઋતુઓને નક્કી કરવી અધરી બની ગઇ છે. આ સમસ્યાને નાથવા માટે વૃક્ષો વાવવાએ આપણી પાસે એકમાત્ર ઉપાય છે, ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલાની સી.કે.પટેલ વિધાસંકુલમાં જિલ્લા કક્ષાના ૬૯મા વન મહોત્સવ- ૨૦૧૮ને આરંભ કરાવતાં પાણી પુરવઠા રાજય મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાત રાજયના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે રાજયમાં કલાઇમેન્ટ ચેન્જ નામનો એક અલગ જ વિભાગની શરૂઆત કરી હતી. રાજયના નાગરિકોમાં પર્યાવરણ બચાવવાની જાગૃતિ આવવાથી આજે લાકડાની જગ્યાએ ધરમાં પ્લાસ્ટિક અને સ્ટીલનો વપરાશ ફનિર્ચરમાં વધી રહ્યો છે. તે વાત બહુ જ સારી છે.
વન મહોત્સવ જન મહોત્સવ બને તો જ આ કાર્યક્રમ સાચા અર્થમાં સાર્થક થશે, તેવું કહી જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ વૃક્ષોનું માનવ જીવનમાં વૃક્ષોની ઉપયોગિતા અને તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજવ્યું હતું. જિલ્લામાં ૩૦ લાખ ૪૮ હજાર વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે. જેમાં ૮ લાખ જેટલા વૃક્ષો વન વિભાગ દ્વારા, ૬ લાખ વૃક્ષો કૃષિ વિભાગ, ૩ લાખ વૃક્ષોનું વાવેતર ગામોમાં તેમજ અન્ય વૃક્ષોનું વાવેતર વિવિધ સંસ્થા અને જનભાગીદારીથી થવાના છે.
આ પ્રસંગે મહાનુભાવોના સ્વાગત ૪૨/૮૪ કડવા પાટીદાર સમાજના પ્રમુખ અશોકભાઇ જી. પટેલે કર્યું હતું. કાર્યક્રમના અંતે એસીએમ, ગાંધીનગર એન.વી.ચૌધરીએ આભારવિધી કરી હતી. આ પ્રસંગે મંત્રી પરબતભાઇ પટેલ અને મહાનુભાવોના હસ્તે શાળા સંકુલમાં વૃક્ષો રોપણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ વૃક્ષા રોપણ કરવામાં આવેલી જગ્યાને ગુરૂપૂજ્યવન તરીકે ઓળખ આપી હતી. આ પ્રસંગે ગાંધીનગર(દ)ના ધારાસભ્ય શંભુજી ઠાકોર, જિલ્લા પ્રભારી સચિવ સંજીવકુમાર, ગાંધીનગર વન વર્તુળના મુખ્ય વનસંરક્ષક જી. રમણમૂર્તિ, જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા, ગાંધીનગર પ્રાંત અધિકારી ઋતુરાજ દેસાઇ, ચંદ્રાલાના સરપંચ વિનુભાઇ એસ. પટેલ, ૪૨/૮૪ કડવા પાટીદાર સમાજના અગ્રણી સર્વ જોઇતારામભાઇ એસ.પટેલ, મનુભાઇ પટેલ, રામકૃષ્ણ ડી. પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.