ઇગ્લેન્ડનાં ન્યુકાસલ શહેરમાં તા ૨૩મી જુલાઇથી શરૂ થયેલી કોમનવેલ્થ જુનીયર એન્ડ કેડેટ ફેન્સીંગ ચેમ્પીયનશીપ ૨૦૧૮માં ભારતને કુલ ૯ મેડલ મળ્યા છે. જેમાં ગાંધીનગરનાં સેકટર ૫એમાં રહેતા ગરીબ દંતાણી પરીવારનાં ૧૬ વર્ષિય પુત્ર સચિન મનોજભાઇ દંતાણીએ જુનીયર ચેમ્પીયનશીપમાં દ્રીતીય સ્થાને રહીને ગાંધીનગર તથા ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. સચિનનાં પિતા મનોજભાઇ લગ્ન પ્રસંગો માટે પાઘડીઓ તૈયાર કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. જયારે માતા રેખાબેન શાકભાજી વેચે છે.
ફેન્સીંગની રમત ઇગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા, સ્કોટલેન્ડ, કેનેડા જેવા દેશોમાં ખુબ જ પ્રતિષ્ઠીત સ્થાન ધરાવે છે. બ્રિટીશરો ભારતમાં ફેન્સીંગને લાવ્યા હતા અને ફેન્સીંગની સ્પર્ધાઓ જામતી હતી.
સચિનનાં પિતા મનોજભાઇ એ આનંદ સાથે જણાવ્યુ હતુ કે અમારા સમાજમાં ભણતર ઘણું ઓછુ છે. ત્યારે વિદેશમાં જવાનું વિચારવુ પણ ન પોસાય. પરંતુ સચિનને પ્રાથમિક શાળાથીજ ફેન્સીંગમાં રસ જાગ્યો હતો. ખેલમહાકુંભમાં સારો દેખાવ કર્યા બાદ નેશનલ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતુ. સરકારે ઓરંગાબાદમાં દોઢ માસ ટ્રેનીંગ આપવામાં આવી. પહેલા ઘણો ખર્ચ પણ કર્યો.
રાજયકક્ષાએ સારો દેખાવ કર્યા બાદ સરકારે જવાબદારી ઉપાડી લીધી હતી. ન્યુકાસલમાં યોજાયેલી કોમનવેલ્થ જુનીયર ફેન્સીંગ ચેમ્પીયનશીપમાં ભારત ૯ મેડલ સાથે દ્રિતીય સ્થાને રહ્યુ હતુ. ભારતે બે ગોલ્ડ, ૨ સીલ્વર તથા ૫ બ્રોન્ઝ મેળવ્યા છે. ઇગ્લેન્ડે ૯ ગોલ્ડ સાથે ૨૨ મેડલ મેળવ્યા હતા. જયારે ઓસ્ટ્રેલીયા, સ્કોટલેન્ડ તથા કેનેડા અનુક્રમે ૩જા, ૪થા તથા ૫માં ક્રમે રહ્યા હતા.