દામનગરના કાચરડી ગામે તળાવે ફરવા ગયેલી વ્રતધારી તરૂણીઓ પૈકી બે તરૂણીઓના તળાવના ખાડામાં ડુબી જતા મોત નિપજ્યા હતા. આ બનાવથી નાનકડા એવા ગામમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી.
બહેનોના જયા પાર્વતી વ્રત ચાલી રહ્યા છે ત્યારે દામનગરના કાચરડી ગામે વ્રતધારી બહેનો તળાવે ફરવા ગયેલી જ્યાં ધો.૮માં અભ્યાસ કરતી રીટાબેન હિંમતભાઈ શેખલીયા ઉ.વ.૧ર તથા ખુશીબેન લાલજીભાઈ લઢેલ ઉ.વ.૧૩ના તળાવના ખાડામાં ડુબી જતા મોત થયા હતા.
સાંજના ચારેક વાગ્યા આસપાસ એક તરૂણીનો પગ લપસતા તે પાણીમાં ખેંચાવા લાગતા બીજી તેને બચાવવા ગયેલ. જ્યાં બન્ને પાણીમાં ડુબી ગઈ હતી. આ અંગેની જાણ થતા ગ્રામજનો તેમજ સરપંચ ગોબરભાઈ રાઠોડ, લાઠી તા.પં. પ્રમુખ જનકભાઈ તળાવીયા, મહિલા બાળ વિકાસ ચેરમેન ઘનશ્યામભાઈ રાઠોડ સહિત આગેવાનો દોડી ગયા હતા અને તળાવના દસેક ફુટ જેટલા પાણીમાં શોધખોળ કરીને બન્ને તરૂણીઓના મૃતદેહ બહાર કાઢી દામનગર સીવીલ હોસ્પિટલ ખાતે મોકલાઈ હતી. આ ઘટના અંગે નાનકડા એવા કાચરડી ગામમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી.