જૂના સચિવાલયમાં વાહન વ્યવહાર કચેરીની પાસે જ ટ્રાફિકની ભારે સમસ્યા

1134

રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા ઘેરી બની જાય છે. ત્યારે અમદાવાદમાં ટ્રાફિકના અધિકારીઓને હાઇકર્ટ દ્વારા લમધારવામાં આવ્યા બાદ કામગીરી જોવા મળી રહી છે. ત્યારે ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં વાહન વ્યવહાર કચેરીની પાસે જ અધિકારીઓ પોતાના વાહનો આડેધડ પાર્ક કરી ટ્રાફિકમાં અડચણ ઉભી કરી રહ્યા છે. જૂના સચિવાલયના રીંગ રોડ ઉપરના ખૂણામાં આવેલા બ્લોક ૨,૪,૬ અને ૮માં આ સમસ્યા ઘેરી બની રહી છે. ખૂદ કર્મચારીઓ જ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે.

ગાંધીનગર શહેરમાં રોડ ઉપર તો ટ્રાફિક જોવા મળે છે. મુખ્ય માર્ગો ઉપર રોડ સાઇડમાં જ વાહનોનો કતારો લાગે છે. જ્યારે કેટલીક જગ્યાએ તો રોજીંદા અડ્ડા જામી ગયેલા જોવા મળે છે. ત્યારે રાજ્યની વાહન વ્યવહાર કચેરીની નીચે વાહનોના અડીંગા જમાવી દે છે. સામે પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતા અકસ્માત થાય તે પ્રમાણે વાહન આડેધડ પાર્ક કરી ચાલ્યા જાય છે. આ સમસ્યા જૂના સચિવાલયના રીંગ રોડ ઉપરના બ્લોક નંબર ૨,૪,૬ અને ૮માં ખાસ જોવા મળી રહી છે.

રાજ્યમાં નીતિ નિયમનોની સાથે કામગીરી કરતી વાહન વ્યવહાર કચેરી આગળ જ આડેધડ વાહનોના ધાડા લાગી જાય છે. સંકુલમાં પાર્કિગની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ખાલી જગ્યા પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જ્યાં વાહન પાર્ક કરી શકાય છે. જ્યારે મીનાબજારમાં પ્રવેશવાના રદવાજે પણ આડેધડ વાહન પાર્ક કરાય છે. ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા પોતાની ટોઇંગવાન આ તરફ દોડાવવામાં આવે તો ટ્રાફિક પોલીસનો મહિનાનો ટાર્ગેટ એક જ દિવસમાં પુરો થઇ શકે છે.

આ બાબતે અગાઉ અનેકવાર ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઇ ઠોસ નિરાકરણ લાવવામાં આવતુ નથી. સરકારી વાહનો પણ સચિવાલયમાં આડેધડ પાર્ક કરવામાં આવતા રામાયણ જોવા મળે છે. આ સમસ્યાનુ કાયમી નિરાકરણ લાવવા ખૂદ કર્મચારીઓ માંગ કરી રહ્યા છે.

Previous articleસાબરકાંઠા જિલ્લા કક્ષાના ૬૯મો વન મહોત્સવ ઇડર ખાતે યોજાયો
Next articleદહેગામમાં ગેરકાયદે શાક માર્કેટના ૧૦૬થી વધુ દબાણ પર JCB ફરી વળતા દોડધામ