દહેગામ શહેરની સૌ પ્રથમ રહેણાંક સોસાયટી પાસે ભરાતી શાક માર્કેટમાં આડેધડ ચણી દેવામાં આવેલા ઓટલા અને મનફાવે તેમ તાણી દેવાયેલા શેડના કારણે અતુલ સોસાયટીના રહેવાસીઓ અને શાકભાજીના વેપારીઓ વચ્ચે લાંબા સમયથી ઘર્ષણની સ્થિતિ નિર્માણ થઇ હતી. ચાર દિવસ પહેલા વેપારીઓ દ્વારા ફેલાવાતી ગંદકી અને ટ્રાફિક જામની સ્થિતિ મુદ્દે રહેવાસીઓએ કલેક્ટર કચેરી પર આવીને ધરણા પર બેસવાની જાહેરાત કર્યા બાદ આખરે નગરપાલિકા તંત્રની ઉંઘ ઉડી હતી અને શનિવારે ૧૦૬થી વધારે ગેરકાયદે દબાણ પર જેસીબી ફેરવી દેવામાં આવ્યુ હતું. દબાણ હટાવવાના ઓપરેશનના કારણે સ્થળ પર રીતસરનો અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો.
શાકમાર્કેટથી અતુલ સોસાયટી અને શાક માર્કેટથી પૂર્ણિમા હાઇસ્કુ લ થઇ ખાદી ભંડાર સુધીના બન્ને બાજુ દબાણ તથા સરદાર શોપીંગ સેન્ટસરથી જન સેવાકેન્દ્ર, હાટકેશ્વર મહાદેવથી સરદાર પટેલની પ્રતિમા સુધીમાં ૧૦૬ કાચા-પાકા દબાણ દુર કરાયા તેમાં જેમાં ૪૧ પાકા ઓટલા, પ૩ કાચા માટીના ઓટલા અને ૧ર પતરાના શેડનો સમાવેશ થાય છે. આ કામગીરી મામલતદાર કચેરી, પાલિકા કચેરી, પોલીસ અને આર એન્ડ બી કચેરીએ સંયુકત રીતે કરી હતી. મામલતદાર રાઠોડ, ચીફ ઓફિસર સતિષ એન પટેલ, પીએસઆઇ દેસાઇ તથા કર્મચારીઓ તેમાં કામે લાગ્યા હતા. હવે દર શુક્રવારે ડ્રાઇવ ચલાવાશે.
દહેગામ શાકમાર્કેટ અને આસપાસના વિસ્તારોમાંથી પાલિકા દ્વારા દબાણો હટાવાતા અફરાતફરી મચી ગઈ હતી. સોસાયટીના રહેવાસીઓ ઘર્ષણમાં ઉતરી આવ્યા અને કલેક્ટર કચેરીમાં ધામા નાખવાની ચિમકી ઉચ્ચારી ત્યારે સ્થાનિક તંત્ર જાગ્યું અને કાર્યવાહી કરાઇ હતી. પરંતુ શહેરમાં મુખ્યમાર્ગો પર જ્યાં નજર કરો ત્યાં લારી ગલ્લા સહિતના દબાણો, કેબિનો અને દુકાનના દબાણો સામે તંત્રની નજર મંડાતી નથી.
પૂર્ણિમા હાઇસ્કુલ પાસે અને ઓડા શોપિંગ સેન્ટર પાસે બે દુકાનના શેડ તોડી પાડવામાં આવતા વેપારીઓ શાબ્દિક ટપાટપી પર ઉતરી આવ્યા હતાં. અધિકારીઓ સાથે બોલાચાલી થયા બાદ અન્ય વેપારીઓને સ્વેચ્છાએ શેડ દુર કરવાની સુચના આપવામાં આવી હતી.
શાક માર્કેટના દબાણ દુર કરવાની સાથે અધિકારીઓ દ્વારા રોડ પર જ્યાં નજર પડે ત્યાં શેડ તોડી પાડવાની સુચના અપાઇ રહી હતી. ત્યારે ઘણા વેપારીઓ નારાજ થઇ ગયા હતા. કેમ કે સરકારી ટીમ સાથે સિટી સર્વે કચેરીના કોઇ માણસ ન હતા, કે તેમની પાસે નકશા કે ગામતળ સંબંધિ કોઇ માપ ન હતા.