જે કાર્ય શિક્ષક કરી શકે તે કાર્ય ઈશ્વર પણ ન કરી શકે, ભગવાને હંમેશા અનિષ્ઠોનો નાશ કરે છે પરંતુ શિક્ષક આવા સામાજિક અનિષ્ઠોને સુધારવાની તાકાત ધરાવે છે. આમ કહીને શિક્ષકોને બાળકોને સારૂ શિક્ષણ આપવા શીખ આપેલ.
જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે કેળવણીની કેડીએનો એક ભવ્યાતિભવ્ય કાર્યક્રમ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષ પદે યોજાયેલા એક ભરચક કાર્યક્રમને સંબોધન કરતા શક્તિસિંહે ઉપર પ્રમાણે જણાવ્યું હતું.
જિલ્લા શિક્ષણ સમિતિ, ભાવનગર દ્વારા ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ, સરદારનગર, ખાતે કેળવણીની કેડીએ અંતર્ગત શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિ, ભાવનગરના ૬૩ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમવાર જિલ્લાની સમિતિ હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પૈકી જે બાળકોએ ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, એનએમએમએસ પરીક્ષા, ગુજરાત ક્વીઝ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્ય કક્ષાએ અત્રેના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ છે તેવા બાળકો તથા પ્રાથમિક શિક્ષકોમાંથી વર્ગ-રની પરીક્ષા પાસ કરેલ હોય ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવતા શિક્ષકો તથા તાલુકા દીઠ ત્રણ શ્રેષ્ઠ શિક્ષકો તેમજ દરેક તાલુકાની એક શ્રેષ્ઠ શાળાના સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ૧૬૦ જેટલા બાળકો, તમામ કેટેગરીના થઈને ૪પ જેટલા શિક્ષકો તથા ૧૦ શાળાઓનું સન્માન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવૈયા, ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડ, કારોબારી સમિતિના ચેરમેન ગોવિંદભાઈ મોરડીયા, શિક્ષણ સમિતિના ચેરપર્સન નીતાબેન રાઠોડ, નાયબ જ.વિ. અધિ. સી.સી. પટેલ, જિ.પ્રા.શિ.અધિ. એચ.એચ. ચૌધરી તથા શિક્ષણ સમિતિના સભ્યો તથા વિવિધ સમિતિના ચેરમેન હાજર રહેલ.
આ કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલ જણાવેલ કે, શિક્ષણ સમિતિએ આ તમામ બાળકો તથા શિક્ષકોને સન્માનવાનો જે કાર્યક્રમ યોજેલ છે તે ખરેખર યોગ્ય છે. વધુમાં જણાવેલ કે, જે કાર્ય શિક્ષક કરી શકે તે કાર્ય ઈશ્વર પણ ન કરી શકે. આ અંગે તેઓએ જણાવેલ કે, ભગવાને હંમેશા અનિષ્ટોનો નાશ કરેલ છે પરંતુ શિક્ષક આવા સામાજિક અનિષ્ટોને સુધારવાની તાકાત ધરાવે છે અને શિક્ષકોને બાળકોને સારૂ શિક્ષણ આપવા શીખ પણ આપેલ.