રાજ્યમાં આજે અલગઅલગ ચાર સ્થળે ભૂકંપના હળવા આંચકા અનુભવાયાં હતાં. દક્ષિણ ગુજરાત અને રાજકોટ વિસ્તારમાં આ આંચકા વધુ અનુભવાયાં હતાં.વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં લોકોએ બપોરે ભૂકંપના હળવા આંચકા અનુભવ્યાં હતાં. જેનાથી શાળાના બાળકો ગભરાઇ જતાં બાળકોને વર્ગખંડોની બહાર કાઢી લેવાયાં હતાં. ધરમપુરના આવધામાં બપોરે ૧ઃ૧૫ મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાઓની ખબરને ગુજરાત મેટ્રોલોજીકલ વિભાગે પણ સમર્થન આપ્યું હતું. દક્ષિણ ગુજરાતના અતુલ નજીક પાર નદી પાસે ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું તેમ જ ૨.૧ મેગ્નિટ્યુડનો ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું સમર્થન મેટ્રોલોજીકલ વિભાગે જણાવ્યું હતું. જિલ્લાના રાજપુરી જંગલ માં પણ ભૂકંપના આંચકા અનુભવાયાં હતાં.રાજકોટ જિલ્લાના ગોંડલ તેમ જ પંથકના મોટા ઉમવાળામાં પણ ધરતીકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. અહીં બપોરે ૧૨ઃ૩૭ વાગ્યે ૩ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, તેમ જ ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી ૮ કિલોમીટર દૂર નોંધાયું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને ઉકાઇ પાસે ૨ની તીવ્રતાના આંચકા નોંધાયાં હતાં.