આજે અંગારકી સંકષ્ટ ચતુર્થી  : મંદિરોમાં ભીડ જામશે

1679

દરેક શુભ કાર્યની શરુઆત જેમના સ્મરણથી થાય છે તેવા વિધ્નહર્તા  ભગવાન ગણેશજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ દિવસ એટલે અંગારકી સંકષ્ટ ચતુર્થી. આવતીકાલે મંગળવાર અને અંગારકી ચતુર્થીનો અનોખો સંયોગ બન્યો છે, જને લઇ ગણેશભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો છે. આવતીકાલની અંગારકી ચોથ ૨૧ ચોથનું ફળ આપનારી હોઇ ગણપતિદાદાની કૃપા અને આશીર્વાદ મેળવવા આવતીકાલે અમદાવાદ શહેર સહિત રાજયભરના ગણેશમંદિરોમાં ગણેશભકતોનું ઘોડાપૂર ઉમટશે. જ્યોતિષીઓના મતે મંગળવારે રાત્રે ૯-૪૦ કલાકે ચંદ્રોદય થશે જેથી મંદિરના દ્વાર ત્યાં સુધી ખુલ્લા રહેશે. શહેરના લાલદરવાજા ખાતેના સિધ્ધિ વિનાયક મંદિર, ધોળકા તાલુકાના કોઠ ગામે ગણપતિપુરા ખાતેના સુપ્રસિધ્ધ ગણપતિ મંદિર, મહેમદાવાદના સિધ્ધિવિનાયક, વસ્ત્રાપુરના ગણપતિ મંદિર, શાહીબાગના ગણેશ મંદિર સહિત રાજયભરના ગણપતિ દાદાના મંદિરોમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો દાદાના દર્શનાર્થે ઉમટનાર છે ત્યારે મંદિર સત્તાધીશો દ્વારા પણ આવતીકાલની અંગારકી ચોથને લઇ દર્શનાર્થીઓ માટે દર્શનની ખાસ વ્યવસ્થા અને પ્રસાદની તૈયારીઓ કરાઇ છે. ગણેશ ભક્તોમાં અંગારકી સંકષ્ટ ચતુર્થીનું અનન્ય મહાત્મ્ય છે. શાસ્ત્રો મુજબ આ એક ચતુર્થી કરવાથી ૨૧ ચોથ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. મંગળવારે વિક્રમ સંવત ૨૦૭૪ની ત્રીજી અને અંતિમ અંગારકી સંકષ્ટ ચતુર્થી છે. હવે આગામી અંગારકી સંકષ્ટ ચતુર્થી વિક્રમ સંવત ૨૦૭૫ના માગશર મહિનામાં ૨૫ ડિસેમ્બરે આવશે. અંગારકી સંકષ્ટ ચતુર્થી ભગવાન ગણેશજીની સાધના-આરાધના-પ્રાર્થના કરવાનો અને તેમની કૃપા-આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અનેરો અવસર છે. વિધ્નહર્તા દેવાના લાખો ભક્તો અંગારકી સંકષ્ટ ચતુર્થીના દિવસે ઉપવાસ કરીને પ્રાર્થના-આરાધના સાથે ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવાનો, રીઝવવાનો પ્રયાસ કરે છે. આ દિવસ ગણેશ ઉપાસના માટે પણ વિશિષ્ટ ગણવામાં આવે છે. શ્રદ્ધાળુઓ આ દિવસે ગણેશયાગ, ગણપતિ અથર્વશીર્ષ, સંકટનાશન ગણેશસ્તોત્રના જાપ કરશે.

શાસ્ત્રના નિષ્ણાંતો દ્વારા જણાવ્યા મુજબ આ દિવસે શક્ય તેટલી વધુ વખત ઓમ્‌ ગં ગણપતયૈ નમઃના પાઠ કરવા જોઇએ. જો કોઇ વ્યક્તિના મહત્વના કાર્યમાં વારંવાર વિધ્ન કે મુશ્કેલી નડતી હોય તો શ્રદ્ધાપૂર્વક આ ચોથ કરવાથી તેના અટકેલા દરેક કાર્યો ભગવાન ગણપતિ દાદાની કૃપાથી પાર પડે છે અને વિધ્નહર્તા તેના માર્ગના દરેક વિધ્નો હરી લે છે.  અમદાવાદના લાલદરવાજાના સિધ્ધિવિનાયક, ગણપતિપુરાના સુપ્રસિધ્ધ ગણપતિમંદિર, મહેમદાવાદના સિધ્ધિવિનાયક સહિતના મંદિરોમાંં ગણપતિ બાપાના દર્શન કરવા આવતીકાલે પરોઢથી જ લાખો શ્રધ્ધાળુ ભક્તોની લાંબી લાઇનો લાગી જશે. અંગારકી ચોથના દિવસે દાદાના દર્શન અને એક ઝલક માટે ગણેશભકતો રીતસરની પડાપડી કરશે. આ તમામ ગણેશ મંદિરોમાં શ્રધ્ધાળુ ભકતો માટે દર્શન, આરતી અને પ્રસાદની ખાસ વ્યવસ્થા પણ મંદિર સત્તાધીશો દ્વારા કરવામાં આવી છે. લાલદરવાજાનું સિધ્ધિવિનાયક મંદિર આવતીકાલે અંગારકી સંકષ્ટ ચતુર્થીના સવારે ૩ વાગ્યે ખુલી જશે અને મંદિરમાં પ્રાતઃ આરતી પરોઢિયે ૩ઃ૦૫ વાગ્યે, જ્યારે સાંધ્ય આરતી સાંજે ૬ વાગ્યે થશે, રાત્રે ૧૧ વાગ્યે મંદિર બંધ થશે. જયોતિષીઓના નિર્દેશાનુસાર આવતીકાલે ગણપતિદાદાના પૂજન માટે સૂર્યોદય પહેલા ઊઠીને સ્નાન કરી લેવું. ત્યારબાદ ભગવાન ગણેશની પૂજા કરવી અને ધૂપ-દીવો કરવા તેમજ પુષ્પ, દુર્વા અને શક્ય બને તો મેવો અર્પણ કરવો અથવા મોદકનો ભોગ ચઢાવવો. સાંજની પૂજા ચંદ્રોદય બાદ કરવી જોઇએ. પૂજા દરમિયાન તલ, ગોળના લાડુ, ફૂલ, જળ, ચંદન, દીપ-ધૂપ તેમજ કેળા, સિઝનલ ફળ, શ્રીફળનો પ્રસાદ સાથ રાખવો. અંગારકી ચોથમાં ગણપતિ પૂજા દરમિયાન માતા પાર્વતીની મૂર્તિ રાખવી શુભ ગણાય છે. માતા સાથે ગણપતિનું પૂજન કરવાથી બંને ખૂબજ પ્રસન્ન થાય છે. ગણપતિ દાદાને ચંદનનું તિલક લગાવ્યા બાદ ધૂપ-દીવાથી વંદન કર્યા બાદ લાડુનો ભોગ ચડાવી પ્રસાદ વહેંચવો જોઇએ.

Previous articleરાજુલાના શ્રમજીવીનગરમાં કોળીસમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ટ્યુશન શરૂ કરાયા
Next articleપંચમહાલમાં પિતાએ જ બે બાળકોની કરી હત્યા, મૃતદેહોને નાંખ્યા કુવામાં