નવરાત્રિ દરમિયાન શાળા અને કોલેજોમાં વેકેશનના નિર્ણયને લઇને હવે એક વિવાદ છેડાઈ ગયો છે. કારણ કે, ઘણી શાળાના સંચાલકો દ્વારા આને લઇને વિરોધ કરવામાં આવ્યો છે. જ્યારે ઘણી શાળાઓના સંચાલકોએ સ્કુલો ચાલુ રાખવાની પણ વાત કરી છે. સ્વનિર્ભર સ્કુલોના સંચાલકો દ્વારા સ્કુલોને ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના નવરાત્રિ દરમિયાન વેકેશન રાખવાના નિર્ણયને લઇને હવે હોબાળો થઇ રહ્યો છે. રાજકોટ, સુરત અને અન્ય જગ્યાઓએ આનો વિરોધ થયો છે. બીજી બાજુ વિરોધને લઇને સરકાર તરફથી પણ પ્રતિક્રિયા આવવા લાગી ગઈ છે. રાજકોટમાં અને અન્યત્ર જગ્યાએ જ્યાં વિરોધ થઇ રહ્યો છે ત્યાં કેટલીક સ્વનિર્ભર સ્કુલ, કોલેજોના સંચાલકો દ્વારા નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે અને સ્કુલોને ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. અત્રે નોંધનીય છે કે, હાલમાં જ અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ૨૮મી જુલાઈના દિવસે એક ઐતિહાસિક અને શિક્ષણલક્ષી નિર્ણય નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરુપે રાજ્યની તમામ સરકારી શાળા-કોલેજો, યુનિવર્સિટીમાં નવરાત્રિ વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યકક્ષાનાં શિક્ષણ મંત્રી વિભાવરીબહેન દવેએ આ જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને લઇ શિક્ષણ જગતમાં અને વિદ્યાર્થી-વાલીઆલમમાં પણ મિશ્ર પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.
નિર્ણય મુજબ પ્રથમ સત્રમાં ૯૫ તેમજ દ્વિતીય સત્રમાં ૧૦૨ દિવસનું શૈક્ષણિક કાર્ય કરવાનું રહેશે. જેના પગલે આ વખતે રાજયના શિક્ષણજગતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ૭ દિવસનું નવરાત્રિ વેકેશન અપાશે તેવું નવા શૈક્ષણિક કેલેન્ડરમાં દર્શાવવામાં આવ્યું છે. આ કોમન એકેડેમિક કેલેન્ડર મેડિકલ અને ફાર્મસી સિવાયના તમામ અભ્યાસક્રમમાં અમલમાં લેવાશે તેવું રાજ્યનાં શિક્ષણ વિભાગની યાદીમાં પણ જણાવાયું છે. ગુજરાત સરકારના નિર્ણયને લઇને હજુ વિરોધ પ્રદર્શન જારી રહે તેવી શક્યતા છે. વાલીઓના મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. નવરાત્રિ દરમિયાન ઘણી સ્કુલોમાં બાળકોની ખુબ ઓછી હાજરી હોય છે જેથી આ રજા યોગ્ય છે તેમ કેટલાક લોકો કહે છે જ્યારે કેટલાક વાલીઓનું કહેવું છે કે, આ નિર્ણયના પરિણામ સ્વરુપે શિક્ષણ કાર્ય ઉપર અસર થશે અને બાળકો ઉપર વધુ દબાણ આવશે.