બોટાદ જિલ્લાના રાણપુર તાબેના અણિયાળી ગામે આવેલ શિવમંદિરમાં દલિત કન્યાઓના પ્રવેશ મુદ્દે સર્જાયેલ વિવાદનો જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ તંત્રએ અંત આણ્યો છે.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણિયાળી ગામે શિવમંદિર આવેલું છે. આ ગામમાં ગ્રામજનો દ્વારા વર્ષો પૂર્વે એવો ઠરાવ કરાવવામાં આવ્યો હતો કે કોઈપણ સમાજની મહિલાઓને શિવમંદિરમાં પ્રવેશ કરવો નહીં પરંતુ તાજેતરમાં જયા પાર્વતીના વ્રત નિમિત્તે આજ ગામની દલિત કન્યાઓએ નિયમની અવગણના કરી પૂજા-દર્શન માટે મંદિરમાં પ્રવેશ કરતા મામલો બિચક્યો હતો અને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આથી મંદિરના પૂજારીએ વિવાદનો અંત ન આવે ત્યાં સુધી મંદિરને તાળાબંધી કરી હતી. આ વિવાદ વકરતા દલિત સમાજના લોકોએ આજ ગામના ૯ વ્યક્તિઓ વિરૂધ્ધ રાણપુર પોલીસ મથકમાં એટ્રોસીટી એક્ટ તળે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ રામાણીએ નવેનવ આરોપીઓની અટકાયત કરી વિવાદ ઉકેલવા પ્રયત્નો હાથ ધર્યા હતા. આ બનાવની જાણ જિલ્લા મેજીસ્ટ્રેટ મામલતદાર તથા જિલ્લા પોલીસવડાએ પણ ઝંપલાવ્યું હતું. જેમાં આજરોજ ગ્રામજનોને સમજાવી મંદિરના તાળા ખોલાવ્યા હતા તથા પૂજા-આરતી બાદ ગામના તમામ લોકોને દર્શન માટે પ્રોત્સાહિત કર્યા હતા તથા મંદિર બહાર લગાવવામાં આવેલ પ્રવેશબંધીનું બોર્ડ દુર કરવામાં આવ્યું હતું.
ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
દલિત સમાજના લોકોએ જે ૯ વ્યક્તિઓ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ વિરૂધ્ધ કાયદાની રૂએ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત તંત્રની દરમ્યાનગીરીને લઈને વિવાદ ખાળવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં સુલેહ શાંતિના કારણો ધ્યાનમાં રાખી અણિયાળી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
– એસ.એન. રામાણી,
પીએસઆઈ, રાણપુર પોલીસ