ભાવનગર મહાનગર પાલિકાના જનરલ બોર્ડ બેઠક મેયર મનભા મોરીના અધ્યક્ષ પદે મળેલ આ બોર્ડ બેઠકમાં ૧૬ ઠરાવો રજુ થયેલ જેમાં મોટા ભાગના ઠરાવો બોર્ડમાં સર્વાનુમતે પાસ થયા હતા, જયારે નગરસેવક અરવિંદ પરમારનો ઠરાવ રજુ થાય તે પહેલા કોંગ્રેસના જયદિપસિંહ ગોહિલ, રહિમ કુરેશી, ઈકબાલ આરબ, પારૂલબેન ત્રિવેદી, ઘનશ્યામ ચુડાસમા, ભરતભાઈ બુધેલીયા બોર્ડમાં ઉભા થઈને બોર્ડ ઠરાવના કાગળો ફાડી નાખી ભાજપ સામે અન્યાય અંગેના સુત્રો નેતા સહિત બધાજ નગરસેવકો વોક આઉટ કરી જતા બોર્ડમાં અરવિંદ પરમારનો ઠરાવ પણ બોર્ડે પાસ કરી દિધો હતો.
બેઠક પ્રશ્નોતરીમાં કોંગ્રેસ દ્વારા અમૃત યોજનાકિય કામગીરીની વિગત જાણવા ભરતભાઈ બુધેલીયાએ કેટલાંક પ્રશ્નો પુછીને ઠીક સમય પસાર કર્યો હતો, જો કે, અમૃત યોજનાની કેટલીક યોજનાકિય વિગત તંત્ર અને ખુદ કમિશ્નરે સમજાવી હતી,
કમિશ્નરે એવી ટકોર કરી દિધી કે, તમારો પ્રશ્ન અમૃત યોજનાનો છે આમા વાહનનો પ્રશ્ન નહી આવે કારણ કે, બુધેલીયાએ વાહન અંગેનો પણ ઉલ્લેખ કર્યો હતો. બુધેલીયાએ લાંબી લાંબી ચર્ચા કરીને તેમણે પૂર્વ મેયર નિમુબેનના સહકારના વખાણ કર્યા હતા અને અભિનંદન દિધા હતા, આ વિધાન થયુ ત્યારે ખુદ કોંગી નેતા જયદિપસિંહ ગોહિલ પણ આ વાતમાં કંઈક નારાજ હોય તેવો તેમનો ભાવ વ્યકત થયો હતો.
કાંતિ ગોહિલે ફુલસરમાં કુવાના ગંદા પાણીનો ઉલ્લેખ કર્યો હતો, જયદિપસિંહ ગોહિલે પાંજરાપોળ કૌભાંડની વાત કરી ઢોર અંગેના કેટલાંક પ્રશ્નો રજુ કર્યા હતા. તંત્રે ૪૬૯ ઢોરો પકડાયાનો જવાબ દિધો હતો. ઈકબાલ આરબે કરચલીયા પરાના વિકાસ કામોના પ્રશ્નો રજુ કર્યા હતા. કરદાતાઓ પાસેના જુના લેણા અને તેની નિતી અંગે જયદિપસિંહ ગોહિલે કેટલીક વિગતો જણાવી હતી. તેમણે વરસાદ પછી તળાવોની સ્થિતી સારી છે તો પાણીનો એક કાંપ ઉઠાવી લેવાની પણ જયદિપસિંહ ગોહિલે માંગ ઉઠાવી હતી.
જયદિપસિંહ ગોહિલની સચોટ રજુઆત પછી મેયરે કિધુ અમે તમારી વાત સાંભળી લીધી આવા મેયરના વિધાન સામે જયદિપસિંહ ગોહિલે સાફ શબ્દોમાં જણાવ્યુ કે, અમે બોર્ડમાં ગળા ફાડવા નથી આવતા આ લોક પ્રશ્નોની અમારી રજુઆતો છે. પારૂલબેન ત્રિવેદીએ આઈસીડીએસ પ્રશ્ને કહ્યુ કે, ચૂંટણી આવે ભરતી કરવાનું સુજે છે, આ આખો કાર્યક્રમ ચૂંટણી લક્ષી છે, અધેવાડા લીમીટ બહાર પાણી આપવાનો ઠરાવ પેન્ડીંગ રખાયો હતો. જયદિપસિંહ ગોહિલે પીલગાર્ડન સરદાર બાગના પુતળાની રજુઆત કરી, કૈલાસબેન મોરડીયાએ નારી ગામમાં પ્રાથમિક સુવિધા મળતી નથી, રસ્તા નથી, પાણીની વ્યવસ્થા નથી, દવાખાનાની સુવિધા નથી, ભાવનગરને ભાગ્યુ હવે નારીને ભાંગી નાખો આવો આક્રોસ વ્યકત કરી કૈલાસબેન મોરડીયાએ જણાવ્યુ કે, નારી ગામ આ બધા પ્રશ્નોને લઈને મહાનગર પાલિકામાં ભળવા માંગતુ નથી, ચાર વર્ષમાં કામ નથી થયાનો ભારે આક્રોસ સાથે તેમણે નારી ગામના પ્રશ્નોની વેદના રજુ કરી હતી.આ રજુઆતમાં જયદિપસિંહ ગોહિલે પણ નારી ગામની વેદનાભરી રજુઆતને સમર્થન આપ્યુ હતુ. કોંગ્રેસના નગરસેવક રહિમભાઈ કુરેશીએ ટી.પી.સ્કીમના મુદ્દે ૧ર કરોડની વાત તંત્ર કેમ છુપાવે છે તેની ઠરાવમાં ચોખવટ કરવા એક પછી એક કાનુની વિગત વારના મુદ્દા રજુ કરતા ખુદ તંત્ર પણ અટવાયું હતુ અને ખુદ કમિશ્નરે પણ કુરેશીની બોર્ડની કેટલીક રજુઆત અંગે તંત્રની કેટલીક ક્ષતિ બાબતે ચોકકસ તપાસ કરવાની ખાત્રી ઉચ્ચારી હતી. કુરેશીએ કેટલાંક ઠરાવોમાં સુધારા કરવાની વાત પણ મેયર સમક્ષ રજુ કરતા મેયરે હા પાડી હતી.
બોર્ડમાં જુદી-જુદી કમિટીઓમાં સુધારા કરી ઉર્મિલાબેન ભાલ, કિશોરભાઈ ગુરૂમુખાણી, કુમારભાઈ શાહ, વિગેરેનો સમાવેશ કરી લીધાનું જણાવ્યુ હતુ. નારી ગામના મુદ્દે કોંગ્રેસે દેકારા પડકારા કરીને પછીનો ઠરાવ અરવિંદ પરમારને સસ્પેન્ડ કરવાનો હોય તે પુર્વે જ ચાલાકી વાપરી એજન્ડા ફાડી સુત્રોચ્ચારો કરીને વોકઆઉટ કર્યો હતો. બાદમાં ભાજપે અરવિંદ પરમારના સસ્પેન્ડના ઠરાવને મંજુર કરી દીધો હતો.
મોબાઈલ કોર્ટ કાર્યરત થશે
ભાવનગર તા.૩૦
ભાવનગર મહાનગરપાલિકાના હેઠળના વિસ્તારમાં ધી ગુજરાત પ્રોવીન્સીયલ મ્યુનિસીપલ કોર્પોરેશન એકટ હેઠળના હેલ્થ એન્ડ સેનીટેશનના કેસોના ઝડપથી સ્થળ ઉપર જ નિકાલ માટે મોબાઈલ કોર્ટ કાર્યરત કરવા કાર્યક્રમ તા.૧-૮-૧૮ને બુધવારના રોજ સવારે ૯ઃ૩૦ કલાકે ભાવનગર મહાનગર પાલિકાના પટાંગણમાં મેયરના વરદ હસ્તે યોજવામાં આવનાર છે.
પૂર્વ મેયર નિમુબેનના ભાષણ વેળા મહિલાઓનો દેકારો
પૂર્વ મેયર નિમુબેન બાંભણીયા નારીની વાત અંગે બોલવા ઉભા થતા મહિલાઓ દ્વારા દેકારો થયો હતો. આમાં કોંગીના મહિલાઓના વિરોધ સામે ભાજપના મહિલાઓએ ટકકર લીધી હતી.