ગાંધીનગર ખાતે આજરોજ એક વેપારી પોતે સરખેજથી ગાંધીનગર આવતી એસટી બસમાં આવવા માટે બેઠા હતા અને પોતાનું ઉતરવાનું સ્ટેન્ડ આવતાં ઉતરી ગયેલ. બાદ અડધા કલાક પછી પોતાનું પર્સ ભૂલી ગયાની જાણ થતાં તુરત જ પોતે ગાંધીનગર ડેપોએ આવીને જાણ કરી હતી. ત્યારે પર્સમાં ડોકયુમેન્ટ અને મોટી રકમ હોવાની જાણ ડેપો મેનેજર કીર્તન પટેલને કરતાં આ મામલાની ગંભીરતાથી સમજીને તેમણે તુરત જ તમામ કેમેરા અને કયા કંડકટરની નોકરી છે અને આ બસ કયાંથી આવી ! તે તમામ વિગતોની ઝીણવટભરી તપાસ શરૂ કરેલ અને આ બાબતે કંડકટરને જાણ કરતાં કંડકટરે પણ માનવીય અભિગમ દાખવીને પોતે આ બાબતને ગંભીરતાથી લઈને તપાસ કરતાં બસમાંથી પર્સ મળી આવેલ અને તેને મૂળ માલિકને પરત કરવાની તજવીજ શરૂ કરેલ.
પ્રાપ્ત વિગતો અનુસાર સરખેજથી ગાંધીનગર આવતી બસમાં સરગાસણ ખાતે ખેલતા આપા નામની ટી સ્ટોલ ચલાવતા રામદેવસિંહ વાળા પોતે વેજલપુર, અમદાવાદ ખાતે રહે છે. તેમણે ગાંધીનગર આવવા સવારે ૭ વાગ્યાની પ્રહલાદનગર ગાર્ડનથી ગાંધીનગર આવવા બસમાં બેઠા હતા અને પોતે સરગાસણ ચોકડી પાસે ઉતરીને પોતાની દુકાને જઈ રહ્યા હતા. ત્યારે અડધો કલાક બાદ તેમને પોતાનું પર્સ બસમાં રહી ગયાની જાણ થતાં પોતે હાંફળા -ફાફળા એસટી સ્ટેન્ડે આવીને ડેપો મેનેજર કીર્તન પટેલને જાણ કરેલ. જે વાતની ગંભીરતા સમજીને કીર્તન પટેલે પોતે તેમનું પર્સ મળે તે માટે ભારે જહેમત ઉઠાવીને બસની વિગત મેળવીને કન્ડકટર ગોસ્વામી રાજેન્દ્રગીરી પ્રહલાદગરી (બાપુપુરા-માણસા)ને જાણ કરતાં કંડકટરે બસમાં તપાસ શરૂ કરેલ હતી અને દરેક મુસાફરને ચડતા ઉતરતા તેમની ઉપર બરાબરની વોચ રાખતાં માલસામાન મુકવાના કઠેડા પર એક બેગ પડી હતી અને તેની ઉપર પણ નજર રાખેલ આખરે ગાંધીનગર ડેપોમાં બસ આવતાં બધા પેસેન્જરો ઉતરી જતાં આ બેગ તેની જગ્યાએ બિનવારસી પડેલ. જે કંડકટરે લઈને રામદેવસિંહ વાળા અને એસટી ડેપોના મેનેજર કીર્તન પટેલની સાથે બેગ સાથેના ડોકયુમેન્ટ અને તેમાં જે રોકડ હતી તે પરત કરીને માનવીય અભિગમ દાખવીને અનેરૂ ઉદાહરણ પુરૂ પાડયું હતું. જે તસ્વીરમાં મૂળ માલિકને બેગ પરત આપતા જોઈ શકાય છે.