દરેક શુભ કાર્યની શરુઆત જેમના સ્મરણથી થાય છે તેવા વિધ્નહર્તા ભગવાન ગણેશજીની કૃપા મેળવવાના અંગારકી સંકષ્ટ ચતુર્થી દિને આજે અમદાવાદ શહેર સહિત રાજયભરના ગણેશમંદિરોમાં લાખો શ્રધ્ધાળુ ભકતોનું ઘોડાપૂર ઉમટયું હતું. આજે મંગળવાર અને અંગારકી ચતુર્થીનો અનોખો સંયોગ બન્યો હોઇ ગણેશભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો હતો. તો, ગણપતિદાદાને આજે અંગારકી સંકષ્ટ ચતુર્થીને લઇ મોદક, લાડુ સહિતની પ્રસાદીનો ભોગ ધરાવાયો હતો. શહેરના લાલદરવાજા ખાતેના સિધ્ધિ વિનાયક મંદિર, ધોળકા તાલુકાના કોઠ ગામે ગણપતિપુરા ખાતેના સુપ્રસિધ્ધ ગણપતિ મંદિર, મહેમદાવાદના સિધ્ધિવિનાયક, વસ્ત્રાપુરના ગણપતિ મંદિર, શાહીબાગના ગણેશ મંદિર સહિત રાજયભરના ગણપતિ દાદાના મંદિરોમાં આજે ગણેશજી ભગવાનનો વિશેષ સાજ શણગાર કરવામાં આવ્યો હતો. તો, મંદિરને પણ શણગારવામાં આવ્યા હતા, જેને લઇ ભકતોનું આકર્ષણ વધ્યું હતું. અંગારકી ચોથને લઇ આજે ગણેશજી મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, હોમ-હવન અને મહાઆરતીનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી ગણેશભકતોએ દાદાના દર્શન માટે પડાપડી કરી હતી. ધોળકાના તાલુકાના કોઠ ગામે સ્થિત ગણપતિ મંદિર ખાતે તો અંગારકી ચોથને લઇ અઢીથી ત્રણ લાખ શ્રધ્ધાળુ ભકતો વહેલી સવારે ચાર વાગ્યાથી ઉમટયા હતા અને મોડી સાંજ સુધી ભકતોએ લાંબી લાઇનોમાં કલાકો સુધી ઉભા રહી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કોઠ ગણપતિ મંદિરના ટ્રસ્ટી અને પૂજારી કૈલાશગીરી ગોસ્વામી અને મનોજભાઇએ જણાવ્યું હતું કે, અંગારકી ચોથનું શાસ્ત્રોકત દ્રષ્ટિએ પણ અનન્ય મહાત્મ્ય છે કારણ કે, અંગારકી ચોથ કે જેને સંકટ ચતુર્થી પણ કહેવાય છે, તે આખા વર્ષમાં એક કે બે જ વખત આવતી હોય છે. અંગારકી ચોથના દિવસે ગણેશભકતો યથાશકિત દાદાનું પૂજન અને ઉપવાસ કરી ભકિત કરવામાં આવે તો એકવીસ ગણેશ ચોથનું પુણ્ય ફળ આ માત્ર એક અંગારકી ચોથના પૂજનથી જ પ્રાપ્ત થઇ જાય છે, તેથી તેનું સવિશેષ મહત્વ છે. અંગારકી ચોથનો એટલે જ ગણેશભકતોમાં ઘણો મહિમા પ્રવર્તી રહ્યો છે. આજે અઢીથી ત્રણ લાખ ભકતો દાદાના દર્શન માટે ઉમટયા હતા. શ્રધ્ધાળુ ભકતોની દાદાના પ્રત્યેની આસ્થા એટલી બધી છે કે, ભકતોએ બેથી ત્રણ કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને પણ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે અંગારકી ચોથને લઇ ગણપતિ દાદાને ઉપવાસનો મૌરેયો-કઢીનો ફરાળી પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો, શ્રધ્ધાળુ ભકતો દ્વારા દાદાને બુંદી, મોતીચુરમા અને ગોળના લાડુ ધરાવવામાં આવ્યા હતા. આ મંદિરની ગણપતિદાદાની મૂર્તિ સ્વયંભુ હોઇ તેનો મહિમા અને ચમત્કાર ઘણો છે.
દર વર્ષે લાખો શ્રધ્ધાળુ ભકતો દેશના ખૂણેખૂણેથી અહીં દર્શન માટે આવતા હોય છે. અમદાવાદના લાલદરવાજાના સિધ્ધિવિનાયક, ગણપતિપુરાના સુપ્રસિધ્ધ ગણપતિમંદિર, મહેમદાવાદના સિધ્ધિવિનાયક સહિતના રાજયભરના ગણેશ મંદિરોમાંં ગણપતિ બાપાના દર્શન કરવા આજે વહેલી પરોઢથી જ લાખો શ્રધ્ધાળુ ભક્તોની લાંબી લાઇનો લાગી હતી. અંગારકી ચોથના આજના દિવસે દાદાના દર્શન અને એક ઝલક માટે ગણેશભકતો રીતસરની પડાપડી કરી હતી. ગણેશ ભક્તોમાં અંગારકી સંકષ્ટ ચતુર્થીનું અનન્ય મહાત્મ્ય છે. શાસ્ત્રો મુજબ આ એક ચતુર્થી કરવાથી ૨૧ ચોથ કર્યાનું ફળ પ્રાપ્ત થતું હોઇ ગણેશભકતોએ આજે ગણપતિદાદાની વિશેષ પૂજા-અર્ચના, હોમ-હવન અને ભકિત-આરાધના કરી હતી. વિધ્નહર્તા દેવના લાખો ભક્તોઅ અંગારકી સંકષ્ટ ચતુર્થીના દિવસે ઉપવાસ કરીને પ્રાર્થના-આરાધના સાથે ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવાનો, રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. શ્રદ્ધાળુ ગણેશભકતોએ આજે દાદાની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દિવસ દરમ્યાન ગણેશયાગ, ગણપતિ અથર્વશીર્ષ, સંકટનાશન ગણેશસ્તોત્ર સહિતના પાઠ અને ઓમ્ ગં ગણપતયે નમઃના જાપ કર્યા હતા. જીવનમાં કોઇપણ પ્રકારના વિધ્નો કે કષ્ટો હોય કે મુશ્કેલી-ત્રાસદી હોય તો વિધ્નહર્તા દેવ તેને તરત હરી લે છે, તેથી ગણેશભકતોએ આજે તન,મન,ધનથી દાદાની પૂજા કરી તેમને પ્રસન્ન કર્યા હતા.