જ્યારથી રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા છે ત્યારથી ગુજરાતના નેતાઓનો કોંગ્રેસના રાષ્ટ્રીય રાજકારણમાં દબદબો વધ્યો છે. હાલમાં ગુજરાતના ઘણા નેતાઓ રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસની ર્વકિંગ કમિટીથી લઈને સંગઠમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. તો આ રાહુલની નવી ટીમમાં ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓને સ્થાન મળ્યું છે. તેનું એક કારણ તે પણ હોઈ શકે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ ઘણો સમય ગુજરાતમાં પસાર કર્યો હતો. આ દરમિયાન આ નેતાઓની કામગીરીની છાપ રાહુલ ગાંધી પર પડી હોય અને તેમની આ કામગીરીનું ઈનામ સ્વરૂપે રાહુલ ગાંધીએ તેમને રાષ્ટ્રીય કક્ષાએ જવાબદારી સોંપી હોય. હાલમાં સીનિયર કોંગ્રેસથી લઈને યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, એનએસયુઆઈ એમ મળીને કુલ ૧૭ નેતાઓ એઆઈસીસીમાં સ્થાન મળ્યું છે. ગુજરાત કાંગ્રેસના એઆઇસીસમાં હાલના રહેલા નેતૃત્વ અંગે રાજકીય વિશ્લેષક વિદ્યુત જોષીનું કહેવુ છે કે આઝાદી પહેલાંથી કાંગ્રેસમાં ગુજરાતના નેતાઓનો દબદબો રહ્યો છે. ગાંધીજી અને સરદાર સાથે આખો યુગ ગુજરાતના નેતાઓ દ્વરા કોંગ્રેસને ચલાવવામાં આવી હતી. જોકે મોરારજી દેસાઇ દેશના વડાપ્રધાન બનતાં એઆઈસીસીમાં ગુજરાતના નેતાઓમાં ઓટ આવી હતી. હાલમાં રાહુલ ગાંધી ગુજરાતના નેતાઓને સ્થાન આપી રહ્યા છે પણ એ માત્ર ફેર બદલ કરી રહ્યા છે અને ૭૦ વર્ષથી વધારેની વય ધરાવતા લોકોને દૂર કરી નવા ચહેરાને સ્થાન આપી રહ્યા છે.
ગુજરાત કાંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીના કહેવા પ્રમાણે સદાય એઆઇસીસીમાં ગુજરાત કાંગ્રેસના નેતાઓને સ્થાન મળ્યુ છે. પણ રાહુલ ગાંધીના ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ કાળમાં સંખ્યામાં વધારો થયો છે. તેમના કેહવા પ્રમાણે વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતના નેતૃત્વથી આકર્ષાયા હતા. યાત્રા દરમિયાન અનેક લોકો સ્થાનિક કાર્યકરો અને નેતાઓનો મળવાનુ થયું હતું. યાત્રામાં મતદારોનો પ્રેમ અને આવકાર જોઇ રાહુલ ગાંધી પ્રેરીત થયા જેને લઇને લાંબા સમયથી ગુજરાત કાંગ્રેસમાં કાર્ય કરી રહેલા નેતાઓને એઆઇસીસી કાર્ય કરવાની તક આપવામાં આવી છે.