ગુજરાતમાં આજથી સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ અભિયાન

2144

ગ્રામ વિકાસ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે, દેશભરના ગામડાઓના સંખ્યાત્મક અને ગુણાત્મક મૂલ્યાંકન દ્વારા સ્વચ્છતા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર ઉત્તમ રાજ્યો અને ઉત્તમ જિલ્લાઓની પસંદગી માટે યોજાનાર સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ અભિયાનમાં પણ ગુજરાત દેશમાં મોખરે રહેશે. સ્વચ્છતાનો મંત્ર એ માત્ર કાર્યક્રમ નહીં પણ જીવનમંત્ર બનાવી કાયમી આદત બને તેવા પ્રયાસો કરવા સૌ સક્રિય સહયોગ આપે તે અત્યંત અનિવાર્ય છે. આજે ગાંધીનગર ખાતે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૧૮ અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મંત્રી ફળદુએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના મંત્રને લઇને દેશભરમાં સ્વચ્છતા અંગે જે આહલેક જગાવી છે તેમાં ગુજરાતે શ્રેષ્ઠ પ્રદાન કર્યુ છે અને નગરો-ગામો સંપૂર્ણ ઓ.ડી.એફ. બની ગયા છે. વડાપ્રધાનના સ્વચ્છ ભારત, સુદ્રઢ ભારતના નિર્માણ માટે આપણે સૌ લોકજાગૃતિ કેળવીને આ અંગે રાજ્યમાં થયેલ કામગીરી થકી ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહે તેવી શુભેચ્છાઓ આપી હતી. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતે તમામ ક્ષેત્રે દેશને નવો રાહ ચીંધ્યો છે ત્યારે સ્વચ્છતામાં પણ આપણે સ્વયં જાગૃત બની આદત બનાવીને ગુજરાતને રાષ્ટ્રમાં પ્રસ્થાપિત કરીએ. જે કંઇ ક્ષતિઓ હોય ત્યાં વહીવટીતંત્ર સત્વરે પૂર્ણ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.  ગ્રામ્ય વિકાસ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ૧લી ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સ્વતંત્ર એજન્સી દ્વારા યોજાનાર સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યનું વહીવટી તંત્ર શ્રેષ્ઠ કામગીરી કરીને દેશને નવો રાહ ચીંધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્યના નગરો, ગામડાઓમાં શૌચાલયો, જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો, પી.એચ.સી. સહિત તમામ સ્થળોની સુપેરે સ્વચ્છતા થાય તે માટે લોકોને જાગૃત કરીએ તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ખભે ખભા મિલાવી આ અભિયાનમાં સહયોગ આપે. મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંધે જણાવ્યું કે, પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા હાથ ધરાનાર આ સર્વેક્ષણમાં સ્વચ્છ ભારત મિશનના મહત્વના ધારા-ધોરણોને ધ્યાને લઇ ઉત્તમ જિલ્લા અને ઉત્તમ રાજ્યોની પસંદગી થવાની છે ત્યારે ગુજરાતમાં પણ શ્રેષ્ઠ કામગીરી થઇ છે તેના થકી ગુજરાત અગ્રીમ રહે તે આપણા સૌની નૈતિક ફરજ છે. તેમણે તમામ જિલ્લાના કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને સ્વચ્છતા ક્ષેત્રે લોકોને જાગૃત કરીને આ સર્વેક્ષણનો હેતુ તમામ સુધી પહોંચે તેવા પ્રયાસો કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ માત્ર હરિફાઇ કે સ્પર્ધા નથી પરંતુ કાયમી વ્યવસ્થા સ્વચ્છતા માટે ગોઠવાય તેવા સંનિષ્ઠ પ્રયાસો સૌ એ કરવા જોઇએ. ગ્રામ્ય તાલુકા માટે તથા રાજ્યકક્ષાએ જે રેન્કીંગ ગોઠવાયું છે તે મુજબ લોકોના પ્રતિભાવો પણ મળે તે હેતુસર અભિયાનનો સંદેશો લોકો સુધી સત્વરે પહોંચે અને જનજાગૃતિ કેળવાય તે માટે વિવિધ બેઠકો, સેમિનાર તથા સ્પર્ધાઓ યોજવા પણ તેમણે સૂચન કર્યુ હતું. આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમ દ્વારા મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંધે તમામ જિલ્લાઓની કામગીરીની સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ આપી હતી.

Previous articleજમીન રિ સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શક રીતે કરાઇ છે : મહેસુલમંત્રી કૌશિક પટેલે ખાતરી આપી
Next articleરાહુલ ગાંધીના અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસના રાજકારણમાં વધ્યો ગુજરાતના નેતાઓનો દબદબો