વ્યસનોમાં ફસાવનારા મુખ્ય મુખ્ય કારણો – પરિબળો (આઠ ‘સ’થી સાવધાન)

1681

વ્યસનમાં વ્યકિત સપડાય નહિ તે ખૂબ ખૂબ જરૂરી છે. કારણકે એકવાર જો તેમાં ફસાયા તો તેની નાગચૂડમાંથી છૂટવું ખૂબ મુશ્કેલ છે. જો કે અશક્ય તો નથી જ. વ્યસનોનો ભોગ બનાવનારા ઘણાં કારણો છે. તેમાંથી ૯પ ટકા વ્યસનીઓ નીચે જણાવેલ ‘સ’થી શરૂ થતાં ઝેરી સર્પ સમા કારણો છે. (૧) સંજોગો : પોણા ભાગનાં વ્યસનીઓ કોઈ નિરાશા, તાણ (ટેન્શન) વગેરે આવે ત્યારે તે દૂર કરવાના શોર્ટકટ અપનાવે છે. અંતે આ શોર્ટકટ પ્રોટકટ (ગળુ કાપનારા) સાબિત થાય છે. માટે પ્રતિકૂળ સંજોગોમાં ગુટકા, તમાકુ, ધુમ્રપાન, દારૂ કે માદક દ્રવ્ય્ને બદલે સત્સંગ, ધર્મ, સદવાચન, સારૂ શ્રવણ કે કોઈ રસમય પ્રવૃતતિમાં મન પરોવી દેવું. આવા કપરા સંજોગો ખવતે ખુલ્લાં દિલે વડીલો, પતિ કે પત્નિ, સાચા મિત્રો, ગુરૂ, ધર્મગુરૂ વગેરેમાંથી કોઈને તાત્કાલિક મળી લેવું. જેથી ખરાબ સંજોગોમાંથી છૂટવાનો સાચો-સાત્વિક માર્ગ મળશે. જો કહેવાતા દોસ્તો (તાળીમીત્રો) ભટકાઈ જશે તો વ્યસનોમાં સપડાવાની તક ખૂબ વધી જશે. આવે વખતે વ્યસની મિત્રોથી દુર દુર રહેજો. મીઠા લાગતાં શોર્ટકટને જ કટ કરી સાચો, સારો અને ફાયદો કરે તેવો રસ્તો અપનાવવો. (ર) સંગદોષ : કહેવત છે સગ તેવો રંગ. જો તમારા મિત્રો વ્યસની હોય તો ખૂબ ખૂબ ખૂબ સાવધાન. શકય હોય તો આવો સંગ (બલ્કે કુસંગ) છોડી દેવો જોઈએ. જો ગાઢ મિત્રતા હોય તો મક્કમ મન રાખી દોસ્તને પણ વ્યસન છોડાવી મોટું નેક કામ કરી દોસ્તીનો સાચો હક્ક નીભાવજો. ઉપરછલ્લા મિત્રોને તો તુરંત છોડી દેશો. માત્ર વ્યસન માટે જ મળતા મિત્રોથી તો ખૂબ સાવધાન!! (૩) સ્ટેટસ (મોભો) : ધુમ્રપાન, ગુટકા, તમાકું કે દારૂ પીવાથી મોભો વધે તેવા ભ્રામક પ્રચારથી છેતરાતા નહીં. વ્યસનથી માભા નથી વધતા ગાભા નિકળી જાય છે. સદ્‌ગણો જીવનમાં ઉતારવાથી સાચો મોભો વધે છે. (૪) સરસાસરસી, દેખાદેખી અને ચડસાચડસી : પેલો વ્યસન કરે છે તો હું પણ કરૂં આવી બાલીશતા છોડવી, દેખાદેખી સુટેવોની હોય. કુટેવોની દેખાદેખી ખુબ ભારે પડી જાય છે. (પ) સહજવૃત્તિ (કુતુહલ) : માનવ મન એવું છે કે જેની ના પાડવામાં આવે તેના તરફ વધુ લલચાય. બચપણમાં જયારે આ ધીમા ઝેરના ગ ેરફાયદાની ખબર ના હોય ત્યારે માત્ર ટેસ્ટ પુરતી શરૂઆત થઈ વેસ્ટ સુધી લઈ જાય છે. (૬) સલાહ (!) આપનારા શુભચિંતકો (!)થી સાવધાન !! તમને ગેસ છે ? કબજિયાત છે ?… બીડી સીગરેટ વગેરે પીવાથી તકલીફ મટી જાય છે. મારો પોતાનો અનુભવ છે.!! આવું કહેનારા દોઢ ડાહ્યા નિર્દોષપણે ઘણાને વ્યસનના રાક્ષસોને હવાલે કરી દે છે. ૩૦-૪૦ વર્ષ પહેલાં તો કેટલાંક વૈદે આવીપ ેટની તકલીફો માટે ધુમ્રપાનની સલાહ આપતા હતાં. તેનો ભોગ બનેલા હજુ ભટકાય છે. અરે ભાઈ! કબજિયાત, ગેસ વગેરે માટે નિર્દોષ દવે મળે છે. તેનો ઉપયોગ કરો. આવી નાની તકલીફો માટે ઝેર થોડું લેવાય ? જયાં સોઈ વાપરવાની જરૂર છે ત્યાં કોશ (કોદાળી) ન વપરાય, ગાંડા ભાઈ! (૭) સંસ્કાર ભ્રષ્ટ મીડીયાથી સાવધાન ! : ટી.વી.ને કેટલાંક બુદ્ધિજીવીઓ ઈડીયટ બોક્ષ કહે છે. જે અમુક અંશે સાચું છે. ટી.વી. અન્ય ઈલેકટ્રોનીક અને પ્રીન્ટ મીડીયામાં વ્યસનોની જાહેરખબરોની ભ્રામક માયાજાળ ફેલાવાઈ રહી છે તેમાં કુમળી વયના બાળકો અને કિશોરો સહેલાઈથી સપડાઈ જાય છે. ઘણીવાર મોટી ઉંમરના અને સમજુ લોકો પણ આ માયાથી બચી નથી શકતાં કારણ કે અબજો અને ખવોં રૂપિયા કમાવા માટે આ લોકો કરોડો રૂપિયા ખર્ચી મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી સમુહ સંમોહન (માસ હીપ્નોટીઝમ) દ્વારા લોકોનું બ્રેઈનવોશ કરી વ્યસનોની માયાજાળમાં ફસાવે છે. આવી જાહેરાતો પર સજ્જડ પ્રતિબંધ મુકાવો જોઈએ. પ્રચંડ લોક આંદોલનો થવા જોઈએ. જે રમતવિરો, અભિનેતા વગેરે આવી જાહેર ખબર દ્વારા પૈસા કમાય છે તેને અમોએ સાવચેત કર્યા છે (આપ સહુ પણ તેઓને પ૦ પૈસાનું પોસ્ટકાર્ડ કડક ભાષામાં ન લખી શકો ? ) તેઓનો સામુહિક બહિષ્કાર થવો જોઈએ. (૮) સવિનય ઈન્કાર કરો : તમને કોઈપણ વ્યસન નથી. જો આપના વડીલો, કે ગુરૂજન તમારી પાસે સીગારેટ, બીડી, ગુટકા વગેરે લાવવાનું કહે તો ખૂબ જ વિનમ્રતાથી મક્કમપણે કહો કે આ આપનું કાર્ય હુ નહિ કરી શકુ મને માફ કરશો. જો હું આપનું કાર્ય હું નહિ કરી શકુ મને માફ કરશો. જો હું આપનું કાર્ય કરીશ તો હું પણ વ્યસનમાં સપડાઈશ. મને પણ લાલચ થશે.
ઉપરાંત આપને આ કુટેવમાં મદદરૂપ થવાનું પાપ અને ગુન્હા મને થશે. માટે હવે મને આ બીડી, સીગરેટ, તમાકુ વિગેરે મંગાવવાનું હલકું કામ ન સોંપશો. અને આપને પણ વિનંતી કે આપ જાહેરમાં વ્યસનો તો ન જ કરો. જો છોડી શકો તો ખૂબ ખૂબ સારૂ… નાના મોઢે મોટી વાત કરૂં છું. પરંતુ મારો ધર્મ, મારો આત્મ મને આ સત્ય કહેવા માટે મજબુર કરે છે. (કરી જો જો આ પ્રયોગો. વડીલો અને ગુરૂજનો પર ચમત્કારીક અસર પડશે.)

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleહવે બેંગ બેંગની સિક્વલમાં રિતિક- કેટરીનાની જોડી હશે