ભાવનગર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પદે ભરતભાઈ હડીયાની વરણી થતા જિલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, મહામંત્રી દિલીપભાઈ શેટા, જિ.પંચાયત પ્રમુખ વકતુબેન મકવાણા, ભદાભાઈ મકવાણા વિગેરેએ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા છે.
ભરતભાઈ હડીયા મહુવા તાલુકાના ભાદ્રોડ ગામની બેઠક પરથી ચૂંટાયેલા સભ્ય છે. તેઓ લાંબા સમયથી ભાજપમાં સક્રિય આગેવાન તરીકેની જવાબદારી નિભાવી રહ્યાં છે. તેઓ અગાઉ જિ.પંચાયત બાંધકામ કમિટી ચેરમેન પદે પણ રહીને સફળ કામગીરી કરી હતી. તેઓ કારોબારી ચેરમેન પદનો ચાર્જ લેતાની સાથે તેમણે જિલ્લાના વિકાસ કામો માટે તત્પર રહેવા અને એ રીતે ગ્રામ્ય લોકોની પાયાની વિકાસલક્ષી કામગીરી કરવા તત્પરતા બતાવી છે. તેઓ હવે દર સોમવાર અને ગુરૂવારે સવારના ૧૧ થી સાંજના ૪ વાગ્યા સુધી જિલ્લા પંચાયતમાં લોકોને નિયમિત મળશે તેમ પણ જણાવ્યું છે.