ખાનગી ટુરિસ્ટ બસના પ્રવેશ મુદ્દે યોગ્ય નિર્ણય લેવા માંગ

745

ગુજરાત રાજ્યમાં ખાનગી ટુરીસ્ટ બસોને શહેરમાં પ્રવેશ મામલે યોગ્ય નિર્ણય લેવા અખિલ ગુજરાત પ્રવાસી વાહનસંચાલક મંડળ દ્વારા રાજય સરકાર સમક્ષ ઉગ્ર માંગણી કરવામાં આવી છે. મંડળના ચેરમેન હરિભાઇ પટેલ, પ્રમુખ મેઘજીભાઇ ખેતાણી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ હેમંતભાઇ શાહ સહિતના આગેવાનોએ આજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એક મહત્વની બેઠક યોજી આ મામલે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરી હતી અને મીડિયા સમક્ષ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. આગામી દિવસોમાં આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ રજૂઆત કરવામાં આવશે. ખાનગી ટુરીસ્ટ બસોની જટિલ સમસ્યાને લઇ મંડળના ચેરમેન હરિભાઇ પટેલ, પ્રમુખ મેઘજીભાઇ ખેતાણી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ હેમંતભાઇ શાહે જણાવ્યું હતું કે, રાજયમાં ખાનગી ટુરીસ્ટ બસોને રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધી જ પ્રવેશવાની પરવાનગી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે. જેનાં અનુસંધાનમાં અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ દ્વારા ગુજરાત સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે, અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ દિવસ દરમિયાન પણ પ્રાઇવેટ ટુરિસ્ટ બસોને પ્રવેશવાની પરવાનગી આપવામાં આવે. છેલ્લાં ઘણાં વર્ષોથી અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ દ્વારા આ માટે ઝુંબેશ પણ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા આ મામલે કોઇ યોગ્ય નિર્ણય લેવાયો નથી, જેના કારણે ટુરીસ્ટ બસોના ચાલકો, ઓપરેટરો ઉપરાંત પ્રવાસીઓને પણ ભારે હાલાકીનો ભોગ બનવું પડે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, દેશના અન્ય શહેરો દિલ્હી, કલકત્તા ,મુંબઈ ,મદ્રાસ ,બેંગ્લોર જેવા મેટ્રો સિટીમાં આવો ટુરિસ્ટો માટે કાયદો નથી, જેથી આપણી ગુજરાત સરકારની નીતિ અને ગુજરાત ટુરિઝમ ની નીતિ ઘણી અયોગ્ય છે.

તેમણે ખાનગી ટુરીસ્ટ બસો માટે ખાસ પાર્કિંગ પ્લોટોની ફાળવણી કરવા, પોલીસ પરવાનગીમાંથી તાત્કાલિક મુકિત આપવા, સામાજિક કાર્યક્રમોમાં ખાનગી ટુરીસ્ટ બસોને એન્ટ્રી, શહેરમાં આ બસોને સરળતાપૂર્વક પ્રવેશ સહિતની માંગણીઓનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે, ખાનગી ટુરીસ્ટ બસોના આ પ્રશ્નોને લઇ આગામી દિવસોમાં અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળના ચેરમેન હરિભાઈ પટેલ, પ્રેસિડન્ટ મેઘજીભાઈ ખેતાણી, સેક્રેટરી રાજુભાઈ ઠાકર સહિતના આગેવાનોના પ્રતિનિધિમંડળ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવશે. મંડળના આ વાજબી પ્રશ્નોને લઇ ગુજરાત સરકારે હકારાત્મક અભિગમ અપનાવી યોગ્ય નિર્ણય લેવા જોઇએ તેવી પણ તેમણે માંગ કરી હતી.

Previous articleસિંધુનગર ખાતે સત્સંગ ભવનમાં આગનું છમકલું
Next articleપશુપાલકો પાસેથી રખડતા ઢોર બાબતે ૯૭.૪૯ લાખ દંડ વસુલાયો