પશુપાલકો પાસેથી રખડતા ઢોર બાબતે ૯૭.૪૯ લાખ દંડ વસુલાયો

1249

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા હાઈકોર્ટના કડક નિર્દેશોને પગલે ગત ઓગસ્ટ-૨૦૧૭થી શહેરના માર્ગો પર રખડતાં ઢોરને પકડીને ઢોરવાડામાં પૂરવા માટે ‘ઓપરેશન રાઉન્ડ ધી ક્લોક’ શરૂ કરાયું છે. ટ્રાફિકના મામલે થયેલી જાહેર હિતની અરજીના સંદર્ભમાં રખડતાં ઢોરના અંગે હાઈકોર્ટમાં અવારનવાર તંત્રનો ઊધડો લેવાય છે, ત્યારે રખડતા ઢોરના ત્રાસની સમસ્યાના નિવારણ માટે અમ્યુકો તંત્ર દ્વારા આગામી દિવસોમાં આકરી કાર્યવાહી કરાય તેવી પૂરી શકયતા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં રખડતા ઢોરના પશુપાલકો પાસેથી અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા રૂ.૯૭.૪૯ લાખનો દંડ વસૂલાયો છે, જે રકમ આગામી દિવસોમાં નોંધપાત્ર રીતે વધે તેવી પૂરી શકયતા છે. કારણ કે, અમ્યુકો સત્તાધીશો દ્વારા પકડાયેલાં ઢોરનો દંડ, ખોરાકી અને વહીવટીચાર્જમાં ત્રણ ગણો વધારો સૂચવતી નવી દરખાસ્તને પગલે પણ ભારે ચર્ચા જાગી છે. ગત નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં પશુપાલકો પાસેથી રૂ.૯૭.૪૯ લાખનો દંડ વસૂલાયો હોવાની વિગત જાણવા મળી છે, જે રકમ ઉપરોકત નવી દરખાસ્તને શાસક ભાજપની મંજૂરી મળવાથી દર વર્ષે રૂ. ત્રણ કરોડથી વધુને આંબે તેવી પણ પૂરી શકયતા છે.

અમ્યુકો તંત્રના ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા ગત નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ ૧૪,૬૯૯ ઢોરને પકડાયાં હતાં, જૈ પૈકી ૩૪૫૯ ઢોરને તેમના માલિકો પાસેથી દંડ, ખોરાકી અને વહીવટીચાર્જ વસૂલીને છોડી મુકાયાં હતાં તો ૭૧૫૯ ઢોર પાંજરાપોળ ખાતે મોકલી દેવાયાં હતાં. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ગત તા. ૨૩ જુલાઈ, ૨૦૧૮ની સ્થિતિએ તંત્ર દ્વારા ઢોરના માલિકો પાસેથી રૂ.૨૯.૬૩ લાખનો દંડ વસૂલાયો હતો. જ્યારે આ સમયગાળામાં તંત્ર દ્વારા માત્ર ૪૪૦૭ ઢોર પકડાયાં હતાં એટલે કે દરરોજ ૩૯ ઢોરને પકડવાની કામગીરી કરાઈ હતી, જોકે કમિશનર વિજય નેહરાના આદેશના પગલે હવે દરરોજ ૧૦૦ ઢોર પકડવાની દિશામાં કવાયત આરંભાઈ છે. જ્યારે ગત જુલાઈ મહિનામાં ૨૩ જુલાઈ સુધીમાં ઢોર પકડીને તે પૈકી ૨૪૫ ઢોરને છોડી મુકાયાં હતાં અને ૬૦૦ ઢોરને પાંજરાપોળ ખાતે મોકલી દેવાયાં હતાં. ગત તા. ૧૭થી ૨૩ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં તંત્રે શહેરમાંથી ૪૩૦ ઢોર પકડીને ઢોરના માલિકો પાસેથી રૂ.૨.૩૪ લાખનો દંડ વસૂલ્યો હતો. આમ, તંત્રના સત્તાવાર રિપોર્ટની વિગતને તપાસતાં શહેરમાં હજુ રખડતાં ઢોરને પકડવાની ઝુંબેશમાં હાઈકોર્ટની વારંવારની તાકીદ બાદ પણ ગતિ પકડાઈ નથી પરંતુ હવે નવા કમિશનર વિજય નેહરાના આવ્યા બાદ આ ઝુંબેશ વધુ તેજ અને અસરકારક બને તેવું મનાઇ રહ્યું છે.

Previous articleખાનગી ટુરિસ્ટ બસના પ્રવેશ મુદ્દે યોગ્ય નિર્ણય લેવા માંગ
Next articleગુજરાતમાં ૧૯ જળાશયો હજુ હાઈએલર્ટ પર છે : ૧૦ એલર્ટ