આરટીઇ : પ્રવેશનો બીજો તબક્કો ૧૫મી બાદ શરૂ થાય તેવી શક્યતા

1067

02રાઇટ ટુ એજ્યુકેશન(આરટીઇ) અંતગર્ત પ્રવેશના મામલે ગુજરાત હાઇકોર્ટે ગઇકાલે જારી કરેલા ચુકાદા બાદ હવે આરટીઇ હેઠળ પ્રવેશનો બીજો રાઉન્ડ તા.૧૫મી ઓગસ્ટ પછી શરૂ થવાની શકયતા છે. સરકારના સત્તાવાળાઓ દ્વારા હાઇકોર્ટના ચુકાદા બાદ પ્રવેશમાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને પણ સમાવી લેવા અને આરટીએ હેઠળ અરજી કરનારા તમામ બાળકોને પ્રવેશ ઉપલબ્ધ બનાવવાની કવાયત હાઇકોર્ટના નિર્દેશાનુસાર હાથ ધરી છે. આરટીઇ હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની છેલ્લા ઘણા સમયથી રાહ જોવાતી હતી પરંતુ હાઇકોર્ટના ચુકાદા બાદ હવે તેની તારીખ સ્પષ્ટ બનતાં વાલીઓએ મોટી રાહત અનુભવી હતી. આ વર્ષે ગુજરાતમાં પ્રથમ રાઉન્ડમાં આઠ હજાર જેટલી અને અન્ય ૩૯ હજાર મળી કુલ ૪૭ હજાર જેટલી બેઠકો માટે એડમિશનનો માર્ગ મોકળો થયો છે. રાજ્યમાં ર૦૦થી વધુ શાળાઓએ માઇનોરિટીનું સ્ટેટસ જણાવી વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો ન હતો,તેવી માઇનોરિટી શાળાનું પ્રમાણપત્ર નહીં ધરાવતી તમામ શાળાઓએ હવે તેમને ફાળવવામાં આવેલા આરટીઇ એડમિશન આપી દેવાં પડશે. જે અંતગર્ત અમદાવાદના ૬૦૦ બાળકોને પ્રવેશ મળશે. તા.૧૩ ઓગસ્ટ સુધીમાં માઇનોરિટી શાળાઓને ફાળવવામાં આવેલા આરટીઇ એડમિશન શાળાઓએ હવે આપી દેવાં પડશે. ત્યારબાદ તા.૧પ ઓગસ્ટ પછી આરટીઇનો એડમિશન બીજો રાઉન્ડ શરૂ થવાની શકયતા છે. આ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઇ. જોષીએ જણાવ્યું હતું કે, લઘુમતી શાળાઓને પહેલા રાઉન્ડમાં જેટલા આરટીઇ એડમિશનની ફાળવણી કરી છે તે એડમિશનની પ્રક્રિયા પૂરી થયેથી ૧પ ઓગસ્ટ પછી બીજા તબક્કાના આરટીઇ એડમિશનની પ્રકિયા હાથ ધરવાની વિચારણા ચાલી રહી છે. લઘુમતી શાળાઓને ફટકો આપતો ચુકાદો હાઇકોર્ટે આપ્યો છે કે ટ્રસ્ટી કે સંચાલક લઘુમતી હોવાથી શાળા કે સંસ્થા લઘુમતી બનતી નથી માટે જે શાળાએ કાયદાની રૂએ કેન્દ્ર કે રાજ્ય સરકારની ઓથોરિટી પાસેથી લઘુમતી અંગેનું સ્ટેટસ નહીં મેળવ્યું હોય તે તમામ શાળાઓએ આરટીઇ હેઠળ રપ ટકા બેઠક પર ગરીબ અને નબળા વર્ગનાં બાળકોને પ્રવેશ આપી દેવાં પડશે.  ર૦૦ જેટલી લઘુમતી શાળાઓએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી કે તેઓ લઘુમતી શાળાઓ હોવાથી આરટીઇ હેઠળ એડમિશન આપશે નહીં સરકાર દ્વારા લઘુમતી શાળાઓમાં રપ ટકા બાળકો પ્રવેશ માટે મોકલી અપાયાં છે. આ તમામ શાળાઓને હાઇકોર્ટ દ્વારા ૧૪મી ઓગસ્ટ સુધીની રાહત આપવામાં આવી હોવાથી હવે આરટીઇ પ્રવેશનો બીજો રાઉન્ડ તા.૧પ ઓગસ્ટ પછી શરૂ થવાની સંભાવના છે. પહેલા રાઉન્ડમાં કુલ ૮ હજાર વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. તેથી હવે પ્રવેશ લાયક તમામ બાળકોને ખાનગી શાળામાં ધોરણ-૧માં આરટીઇ હેઠળ પ્રવેશ અપાશે. તેથી બીજો રાઉન્ડનો માર્ગ મોકળો થશે. આરટીઇ હેઠળ પ્રવેશનો બીજો રાઉન્ડ શરૂ કરવાની સત્તાવાળાઓએ તજવીજ હાથ ધરતાં ખાસ કરીને વાલીઓએ મોટી રાહત અનુભવી છે કારણ કે, તેઓ છેલ્લા કેટલાય સમયથી બીજા રાઉન્ડ શરૂ થવાની રાહ જોતાં હતા.

Previous articleગુજરાતમાં ૧૯ જળાશયો હજુ હાઈએલર્ટ પર છે : ૧૦ એલર્ટ
Next articleશિક્ષણ વિભાગ દ્વારા આજે રાજ્યકક્ષાનો સેમીનાર