ગુજરાત પોલીસ માત્ર નાગરિકોની સુરક્ષા કરે છે એવું નથી પર્યાવરણ સુરક્ષાની પણ ચિંતા કરે છે : પ્રદિપસિંહ જાડેજા

1385

ગુજરાત પોલીસ માત્ર નાગરિકોના જાન-માલની જ સુરક્ષા કરે છે એવું નથી,  ગુજરાત પોલીસ પર્યાવરણની સુરક્ષાની ચિંતા પણ કરે છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં વન મહોત્સવની ઉજવણી  થઇ રહી છે, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા પણ રાજ્યભરમાં વન મહોત્સવની ઉજવણી કરાશે. ગૃહ રાજ્યમંત્રી  પ્રદિપસિંહ જાડેજાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાના સરસપુર ગામે રૂદ્રમાતા ડેમ સાઇટ ખાતે રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી સંપન્ન થઇ છે. ત્યારે પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનીને રાજ્યના પોલીસ વિભાગ દ્વારા પણ રાજ્ય કક્ષાનો વન મહોત્સવ પોલીસ હેડ ક્વાર્ટર – ગોમતીપુર, અમદાવાદ ખાતે યોજાશે ત્યારબાદ સમયાંતરે રાજ્યભરની પોલીસ વિભાગની કચેરીઓ, હેડક્વાટર્સ ખાતે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

મંત્રીએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ દ્વારા રાજ્યભરમાં જે વન મહોત્સવની ઉજવણી થશે તેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત પોલીસ કમિશ્નરની કચેરી, કરાઇ પોલીસ અકાદમી, એસ.આર.પી. ટ્રેઇનીંગ સેન્ટર ચોકી, પોલીસ તાલીમ કેન્દ્ર વડોદરા અને જૂનાગઢ ઉપરાંત ખલાલ કમાન્ડો યુનીટ અને ૩૪ જિલ્લા પોલીસ વડાની કચેરીઓ ઉપરાંત પશ્ચિમ રેલ્વેના અમદાવાદ અને વડોદરા ખાતેની પોલીસ વડાની કચેરીઓ તથા ૯ રેન્જ આઇ.જી.કચેરીઓ સહિત રાજ્યમાં આવેલા ૨૧ રાજ્ય અનામત પોલીસ દળના હેડ ક્વાર્ટર્સ તથા રાજ્યના પોલીસ સ્ટેશનો – ૬૪૮, આઉટ પોસ્ટ – ૬૦૮, પોલીસ ચોકી- ૬૪૧ વગેરે જગ્યાએ મળી ૧,૯૦૦થી પણ વધુ સ્થળોએ વિશાળ માત્રામાં રોપાઓનું વાવેતર કરવામાં આવશે.

મંત્રીએ જણાવ્યું હતું કે, પર્યાવરણ સુરક્ષાએ આજના સમયથી માંગ છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા ગ્રીન હાઉસ ગેસના અતિરેકને કારણે આજે વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અનુભવી રહ્યું છે. ત્યારે વૃક્ષો આ કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને આપણા માટે પ્રાણવાયુ એટલે કે ઓક્સીજન મુક્ત કરે છે. એનો અર્થ એ થયો કે વૃક્ષ એ પ્રાણીમાત્રને જીવવા માટે જરૂરી એવા ઓક્સીજન વાયુને કુદરતી રીતે ઉત્પન્ન કરનારું એકમ બની રહે છે. એટલું જ નહી ઇમારતી લાકડું, ફળો, આપનારૂ વૃક્ષ પશુ-પક્ષીઓનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન બને છે, જમીનના ધોવાણને અટકાવે છે, વરસાદ ખેંચી લાવે છે, વૃક્ષોના માનવજાત ઉપરના આટલા ઉપકારને ધ્યાને લઇ વૃક્ષ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉદ્દેશ સાથે રાજ્યભરમાં પોલીસ સંકુલોમાં વૃક્ષારોપણનો આ કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવાયો છે.  ગુજરાત પોલીસ દ્વારા યોજાનાર વન મહોત્સવના આ કાર્યક્રમ વધુ ને વધુ રોપાઓ રોપવાનો લક્ષ્યાંક રખાયો છે. રાજ્યના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સોમવાર અને શુ્‌ક્રવારના રોજ યોજાતી પરેડ દરમ્યાન શ્રમદાન થકી આ કાર્યક્રમો યોજાશે. તેમજ દરિયાકાંઠા વિસ્તાર, સરહદી વિસ્તાર સહિત તમામ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખીને રોપાઓની પસંદગી કરવામાં આવી છે.

રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં સી.આઇ.ડી. (ક્રાઇમ-રેલ્વે), સી.આઇ.ડી. (ઇન્ટેલીજન્સ), લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, જેલ વિભાગ, ગૃહ રક્ષક દળ, એસ.આર.પી. ગૃપ, જિલ્લા પોલીસ અધિક્ષકઓ, નાગરિક સંરક્ષણ વિભાગના વડાઓ તથા તેમના હસ્તકની તમામ કચેરીઓ ખાતે પણ વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ કરાશે. તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું.

Previous articleશિક્ષણ વિભાગ દ્વારા આજે રાજ્યકક્ષાનો સેમીનાર
Next articleદિવાળી વેકેશનનું બુકિંગ શરૂ કરાતા મોટાભાગની ટ્રેન ફુલ