અમરેલી જિલ્લાના સારવકુંડલા તાલુકાથી ઉંઝા જવાના રવાના થયેલ એસ.ટી. બસ નંબર જી.જે. ૧૮ ઝેડ ૦૩૧ર ભાવનગર – રાજકોટ રોડ પર લાઠીથી થોડે દુર આવેલ દેરડી અને વરસડા ગામ વચ્ચે સામેથી આવેલ માલવાહક ટ્રક નંબર જી.જે. ૦૩ બીવાય ૪૪પપ સાથે ધડાકાભેર અથડાતાં આ અકસ્માતમાં બસ મુસાફરી કરી રહેલા બે બાળકો સહિત ૪ વ્યકિતઓના ઘટના સ્થળે મોત નિપજયા હતાં. જયારે ર૮થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા સાથે લાઠીથી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકની કેબીનમાં ફસાયેલ ડ્રાઈવર સહિત અન્ય એક મુસાફરને પતરા કાપી બહાર કાઢવામાં આવેલ સમગ્ર ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો છે. આ બનાવની જાણ લાઠી પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બન્ને વાહનોને રોડ પરથી દુર કરાવી ટ્રાફિક પુર્વવત કર્યો હતો. સુત્રો પાસેથી એવી પણ જાણકારી મળે છે. આ ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજયું છે જે અમરેલી શહેર ભાજપના એક હોદ્દેદારનો પુત્ર હોવાનું પણ જણાવાય રહ્યું છે. સમગ્ર બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.