ગુજરાતના પાટનગર-ગાંધીનગરનો આજે ૬૪મો જન્મદિવસ છે, ગાંધીનગરની જી.ઈ.બી. કોલોનીના ગેસ્ટ હાઉસનું બિલ્ડિંગ કે જ્યાં ગાંધીનગરના નિર્માણની પ્રથમ ઈંટ મૂકાઈ હતી, ત્યાં ગાંધીનગર શહેર વસાહત મંડળ દ્વારા ગાંધીનગરના જન્મદિવસની ઉજવણીનું આયોજન કરાય છે. ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી પરબતભાઈ પટેલે ગાંધીનગરના ‘આદિ મકાન’ પર જયાં તકતી મૂકવામાં આવી છે, ત્યાં મંગલ દિપ પ્રગટાવીને જન્મદિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગરના મેયર, કલેકટર એસ.કે.લાંગા, વસાહત મહા મંડળના પ્રમુખ અરૂણભાઈ બુચ તથા વિવિધ ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
ગાંધીનગરના નિર્માણની શરૂઆત ૧૯૬૫ની ૨જી ઓગસ્ટે થઈ હતી. નગરમાં સૌપ્રથમ બિલ્ડિંગ વિશ્રામગૃહની બની હતી. જી.ઈ.બી. કોલોનીમાં આજે પણ આ ઈમારત ગેસ્ટ હાઉસ તરીકે વપરાશમાં છે. ગાંધીનગરના આદિ મકાનના પરિસરમાં આજે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
ગાંધીનગર જિલ્લાના પ્રભારી અને સિંચાઇ, પાણી પુરવઠા વિભાગના મંત્રી પરબતભાઇ પટેલે કહ્યું કે, કર્મચારી નગરની છાપ ભૂંસીને સ્માર્ટ સિટી બનવા તરફ પગરવ માંડતું ગાંધીનગર સામાજિક સંવેદનશીલતાનું નગર બની રહે. પાટનગર ગાંધીનગરના ૫૪મા જન્મદિવસની ગુજરાત વિદ્યુત બોર્ડ ખાતે જ્યાં નગરની પ્રથમ ઇંટ મૂકવામાં આવી હતી તે વિશ્રામગૃહ ખાતે મંગલદીપ પ્રાગટ્ય કરીને ‘જન્મદિવસ’ની ઉજવણીના કાર્યક્રમનો પ્રારંભ કરાવતા મંત્રી પરબતભાઇ પટેલે કહ્યું કે, ૫૩ વર્ષની ગતિ-પ્રગતિમાં અનેક લોકોનું મહત્વનું યોગદાન છે. ગાંધીનગરના નિર્માણ માટે જમીન આપનાર ખેડૂતો અને શહેરના અન્ય પ્રશ્નોનો પણ રાજ્ય સરકારના સકારાત્મક અભિગમ થી નિકાલ થઇ રહ્યો છે, તેનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી અને રવિશંકર મહારાજ જેવા પુણ્યાત્માઓનું સ્મરણ કરીને આપણે આપણા શહેર માટે શું કરી શકીએ તેનું ચિંતન શહેરના તમામ નાગરિકોએ કરવું જોઇએ. શહેરને પ્લાસ્ટિક મુક્ત, પ્રદૂષણ મુક્ત બનાવવાના રાજ્ય સરકારના અભિગમને વેગવાન બનાવવા નાગરિકોના સકારાત્મક સહયોગની અપેક્ષા વ્યક્ત કરીને મંત્રીએ ગાંધીનગરને ગૌરવશાળી ઉંચાઇ પર પહોંચાડવા, ગ્રીનસિટી બનાવવા હાકલ કરી હતી. ગાંધીનગર શહેર વસાહત મહામંડળ અને જી.ઇ.બી. ગાંધીનગરના સૌજન્યથી ઉજવણીનો અવસર યોજાયો હતો.
જિલ્લા કલેક્ટર લાંગાએ ‘ક્લીન અને સ્માર્ટ’ સિટી ગાંધીનગરને સમગ્ર ભારતમાં હરિયાળા નગર તરીકે ખ્યાતિ અપાવવાના પરિણામકારી પગલાઓમાં નગરજનો સક્રિયતાથી જોડાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
પ્રારંભમાં સતત ૫૩ વર્ષથી પાટનગરના જન્મદિનની ઉજવણીનો કાર્યક્રમ યોજતાં વસાહત મહામંડળના પ્રમુખ અરૂણભાઇ બુચે શહેરની ગતિ-પ્રગતિમાં મહાનુભાવોના યોગદાનને આવકારી પાટનગરની સમસ્યા અને ઉકેલ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
પ્રારંભમાં આવકાર પ્રવચન જી.ઇ.બી.ના ચીફ ઇજનેર પ્રકાશભાઇ જોશીએ કર્યું હતું જ્યારે આભારદર્શન અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન વસાહત મહામંડળના સુધીરભાઇ દેસાઇએ કર્યુ હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ડૉ.સી.જે. ચાવડા, ગાંધીનગર મહાનગર પાલિકાના પૂર્વ પદાધિકારીઓ, રાજકીટ પક્ષોના આગેવાનો, જી.ઇ.બી.ના વસાહતી ભાઇ-બહેનો, મિલન મહિલા મંડળ અને જીઇબી રીક્રીએશન ક્લબના હોદેદારો, જ્યોતિ મહિલા મંડળના પ્રમુખ ચેતના બુચ, પત્રકાર મિત્રો તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.