મહાપાલિકા આકરા પાણીએ જાણો શું કરી કાર્યવાહી

1920

ભાવનગર મહાપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા ૧ ઓગષ્ટથી શહેરમાં મોબાઈલ કોર્ટ કાર્યરત કર્યા બાદ બીજા દિવસે પણ આકરી કાર્યવાહી હાથ ધરતા વેપારી વર્ગ ભારે નારાજ થયો છે.

સુપ્રિમ કોર્ટની સૂચનાથી ભાવનગર શહેરમાં જાહેર સ્વચ્છતા સાથે પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ સહિતની બાબતો અંગે મહાપાલિકાના કમિશ્નર ગાંધીએ અલગ-અલગ વિભાગના અધિકારીઓને એક સાથે કાર્યવાહી કરવા છુટ્ટો દૌર આપતા છેલ્લા બે દિવસથી શહેરભરમાં તંત્રની કામગીરીને લઈને વેપારી આલમમાં ભારે કચવાટ વ્યાપ્યો છે. વેપારી વર્ગમાં તંત્રના ઝડ નિયમો અને તેના અમલીકરણ બાબતે વિરોધનો સૂર ઉઠ્યો છે. મહાપાલિકા સાથે ટ્રાફિક પોલીસ પણ જોડાઈ હોય એક સાથે અલગ-અલગ મુદ્દે વેપારીઓને દંડ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવતા વેપારીઓ ફફડી ઉઠ્યા છે. જાહેરમાં ગંદકી, કચરો ફેંકવો નહીં પોતાના બાવીસી એકમો પર ફરજીયાત પણે તંત્રના નિયમ મુજબ કચરા પેટી રાખવી પાણીનો બગાડ કે જાહેરમાં નિકાલ કરવો, પ્રતીબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કે વેચાણ, ફૂડ એન્ડ ડ્રગ, વિભાગ દ્વારા તમામ પ્રકારનો ખાદ્ય પદાર્થોનું ચેકીંગ તથા અખાદ્ય પદાર્થો સામગ્રીનો નાશ તેમજ દંડ તો ટ્રાફીક પોલીસ દ્વારા આડેધડ પાર્કીંગ, દબાણો સંદર્ભે એક સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે. એક જ સાથે આરંભવામાં આવેલી કામગીરીને કારણે કોઈને કોઈ મુદ્દે વેપારી ઝપટમાં આવી રહ્યા છે. સવારના સમયે દુકાનો ખોલતાની સાથે તંત્ર કામગીરી કરી દંડના રકમની પાવતીઓ પકડાવી દે છે. પરિણામે વેપારીઓમાં પ્રબળ રોષ ભભૂકી ઉઠ્યો છે. બીજા દિવસે પણ કામગીરીનો વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને પોતાના રોજગાર ધંધા બંધ રાખી રજૂઆત કરવા કચેરી પર દોડી ગયા હતાં. પરંતુ અધિકારી ગણએ નિયમ મુજબ કામગીરી કરાશે જ તેવું રોકડુ પરખાવી દેતા વેપારીઓ વિપક્ષના શરણે ગયા છે.

નિયમોની ચોકકસ ગાઈડ લાઈન તો આપો

ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરમાં જે જે કામગીરી હાથ ધરી છે તે કામગીરીનો વેપારીઓ વિરોધ નથી કરી રહ્યા તંત્રનું આ પગલુ અમારા માટે આવકાર્ય છે. પરંતુ વેપારીઓને માર્ગદર્શન આપવામાં નથી આવી રહ્યું જેને કારણે એક અસંમંજસતા ઉદ્દભવી છે અને અકારણ દંડ ભરવો પડી રહ્યો છે. નિયમો સારા માટે જ હોય છે પરંતુ ચોક્કસ સમય આપવો જોઈએ વર્તમાન સમયે ધંધા રોજગાર નથી એવા સમયે વેપારી દંડ કઈ રીતે ભરે ? તંત્ર વેપારીઓ સાથે મિટીંગ યોજી સમગ્ર બાબત અંગે વાકેફ કરે પુરતી સવલતો આપે ત્યાર બાદ કામગીરી કરે એવી અમારી માંગ છે.

– ભાવનગર વેપારી એસા. મંડળ

Previous articleવાઈનશોપનાં સંચાલકો દ્વારા સરકારના નીયમોની ઐસીતેસી
Next articleભાવથી અધેલાઈ ફોરટ્રેક હાઈ-વેનું ૧રમીએ ખાતમુર્હુત