ગાંધીનગર જિલ્લાના સબસીડાઈઝ રાસાયણીક ખાતરના ચાર વિક્રેતાઓના લાયસન્સ સ્થગિત

1045

જિલ્લામાં સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વિતરણ કરતા ચાર વિક્રેતાઓના લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યા છે. આ વિક્રેતાઓમાં ત્રણ સહકારી મંડળીઓનો સમાવેશ થાય છે. તેના સંચાલકો દ્વારા પીઓએસ મશીન મામલે સરકાર દ્વારા અપાતી સુચનાઓનું પાલન કરવામાં વારંવાર આંખ આડા કાન કરવામાં આવતા હતા. ઉલ્લેખનીય છેકે,  સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વિતરણ કરતા વિક્રેતાઓએ ફરજીયાત પીઓએસ મશીન મારફત જ ખાતરનું વિતરણ કરવાનો સરકારનો આદેશ છે. આ મામલે વારંવાર તેઓને અવગત પણ કરાવવામાં આવતા હતા અને પીઓએસ મશીનમાં ઉપયોગમાં લેવાતુ સોફ્ટવેર પણ અપડેટ કરવાની સુચના આપવામાં આવતી હતી.તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રાજ્યમાં સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વિતરણ કરતા વિક્રેતાઓને પીઓએસ મશીન મારફત જ ખાતરનું વિતરણ કરવાનો આદેશ આપ્યો હતો. આ માટે દરેક વિક્રેતાને પીઓએસ મશીન ફાળવવામાં આવ્યા હતા. અને તેનો કેવી રીતે ઉપયોગ કરવા તે મામલે તમામ વિક્રેતાઓને ટ્રેનીંગ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ સમયાંતરે આ પીઓએસ મશીનનું સોફ્ટવેર અપડેટ કરાવવા પણ વિક્રેતાઓને જણાવવામાં આવ્યુ હતુ. જોકે, આ મામલે જિલ્લાના કેટલાક વિક્રેતાઓએ આંખ આડા કાન કર્યા હતા. આ અનિયમિતતાના મામલે તાજેતરમાં જ તંત્ર દ્વારા જિલ્લાના ૩૦ વિક્રેતાઓને નોટીસ આપવામાં આવી હતી. અને તેઓને સરકારની સુચનાનું પાલન કરવા જણાવવામાં આવ્યુ હતું.

આ નોટિસ બાદ પણ સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વિતરણ કરતા ચાર વિક્રેતાઓ દ્વારા પીઓએસમાં સોફ્ટવેર વર્ઝન અપડેટ કરવામાં આવ્યુ નહતું. તેઓને સુચના આપવામાં આવી હોવા છતા આ મામલે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. જેના કારણે ચાર વિક્રેતાઓને ગાંધીનગર નાયબ ખેતી નિયામક (વી) દ્વારા લાયસન્સ સ્થગિત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આ મામલે નાયબ ખેતી નિયામક (વી) મહાવિરસિંહ વાઘેલાએ જણાવ્યુકે, જે વિક્રેતાઓનું લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યુ છે તેમાં શોભાસણ સેવા સહકારી મંડળી (શોભાસણ), મે. ગુજરાત સ્ટેટ કો.ઓપ. ગ્રેઇન ગ્રોવર્સ ફેડ. લી (વિહાર ચાર રસ્તા, માણસા) , આજોલ ખેડૂત સેવા સહકારી મંડળી (આજોલ) તથા બિલોદરા સેવા સહકારી મંડળી ( બિલોદરા)નો સમાવેશ થાય છે. આ વિક્રેતાઓના ૧૨૦ દિવસ માટે લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યા છે.  નાયબ ખેતી નિયામક (વી ) દ્વારા ઉઠાવવામાં આવેલ આ પગલાથી ખાતર વિતરણમાં ધાંધિયા કરતા વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ચિલોડાના બિયારણ વિક્રેતાનું લાયસન્સ રદ્દ કરાયુ

ગાંધીનગર નાયબ ખેતી નિયામકની ટીમ  તાજેતરમાં મોટા ચિલોડા સ્થિત જય અંબે બાયો ફર્ટિલાઇઝર્સ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં પહોંચી હતી. વિક્રેતાના સંચાલકે જે સરનામે લાયસન્સ મેળવ્યુ હતું તે સ્થળે પહોંચતા ત્યાં આ પ્રકારની કોઇ દુકાન જોવા મળી નહતી.

જેના કારણે તંત્ર દ્વારા તેને નોટિસ આપવામાં આવી હતી અને જરૂરી પુરાવા આપવા અલ્ટિમેટમ આપવામાં આવ્યુ હતું.

પરંતુ સંચાલક પુરાવા રજુ કરી નહી શકતા આખરે નાયબ ખેતી નિયામક (વી) દ્વારા વિક્રેતાનું બિયારણનું લાયસન્સ રદ્દ કરવાનો આદેશ કર્યો હતો.

Previous articleગુલશન કુમારની બાયોપિકમાં રણબીરને લેવાનો નિર્ણય થયો
Next articleવૈષ્ણોદેવી સુધીની ૨૨ હોટલના સંચાલકોને પાર્કિંગ મુદ્દે નોટિસ