રાજ્યભરમાં સ્વચ્છતા અને ટ્રાફિક નિયમન માટે ચુસ્ત અમલવારી કરવાની અપાયેલી સુચનાના ભાગરૂપે ભાવનગર ખાતે કમિશ્નરની સુચના ભાગરૂપે છેલ્લા બે દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણો હટાવવા ઉપરાંત જ્યાં ત્યાં કચરો ફેકતા અને પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા વેપારીઓને મોબાઈલ કોર્ટ મારફત દંડનીય કાર્યવાહી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે આજે પણ એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાંથઈ ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા હતા.આજે સવારથી એસ્ટેટ અધિકારી સહિતનો કાફલો શહેરના ઘોઘાસર્કલ થઈ ઘોઘારોડ, શિવાજી સર્કલ તેમજ ફાતીમા કોન્વેન્ટ રોડ પર જઈ રસ્તા પર અને ફુટપાથ પર રહેલા લારી ગલ્લાઓ હટાવ્યા હતા અને જપ્ત કર્યા આ ઉપરાંત કેટલાક પાકા બાંધકામો પણ તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યાથી કાળાનાળા અને કાળુભા રોડ પરના ગેરકાયદે લારી ગલ્લા હટાવ્યા હતા જ્યારે કુંભારવાડા અને અક્ષરપાર્ક વિસ્તારમાં ડ્રેનેજ લાઈનના કામમાં અડચણ રૂપ હોય અને વારંવાર ફરિયાદો આવતી હોય તેવા કેટલાક પાકા બાંધકામો પણ જેસીબી મશીન વડે તોડી પાડી દુર કરાયા હતા. કેટલાક આસમીઓએ રસ્તાના ભાગમાં ચણી લેવામાં આવેલ ઓરડીઓ અને ઓટલા પણ તોડી પાડવામાં આવ્યા હતા જ્યારે આ કામગીરીથી સ્થાનીક લોકોએ નારાજગી દર્શાવી હતી. જો કે કેટલાક વેપારીઓ દ્વારા અનેક કોમ્પ્લેક્ષો તથા મોટા બિલ્ડરો દ્વારા પાર્કીંગની જગ્યામાં દબાણો કરવામાં આવ્યા છે તે હટાવવાના બદલે તેમને છાવરવામાં આવતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. અક્ષરપાર્કમાં કરાયેલ દબાણ હટાવની કામગીરી સંદર્ભે કમિશ્નરને સ્થાનિક લોકોએ અન્યાય થયાની રજુઆત પણ કરી હતી. જો કે રાજ્યભરમાં કામગીરી શરૂ હોય આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી તેમજ કચરો ફેકનાર અને પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરનાર લોકોને દંડનીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. તેવી કડક સુચના કમિશ્નર દ્વારા આપવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે.