અમદાવાદમાં ભંગારના ફ્રીજની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

2169

રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં, દારૂની હેરફેર કરવા માટે બુટલેગરો જાત-ભાતનો કીમિયો અજમાવી પોલીસની આંખમાં ધૂળ નાખી રાજ્યમાં દારૂ ઘુસાડતા હોય છે, પરંતુ ક્યારેક પોલીસને બાતમી મળતા ઝડપાઈ જતા હોય છે. આવી જ વધુ એક દારૂ ઝડપાવાની ઘટના સામે આવી છે. આ વખતે અમદાવાદ-બગોદરા હાઈવે પર દારૂનો મોટી માત્રામાં જથ્થો ભરેલી ટ્રકને ઝડપી લેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ બગોદરા હાઈવે પર આવેલી એક હોટલના ર્પાકિંગમાં એક ટ્રક ઉભી હતી, જેમાં દારૂ હોવાની જાણ કોઈને થતાં, તેણે તુરંત પોલીસને આ મુદ્દે જાણકારી આપતા પોલીસ ઘટના સ્થલ પર પહોંચી ગઈ હતી, અને હોટલના ર્પાકિંગમાં ઉભી રહેલી ટ્રકની તપાસ કરતા તેમાં મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓ જોવા મળી હતી. મહત્વની વાત એ છે કે, અમદાવાદ ગ્રામ્ય આરઆર સેલને માહિતી મળતા પોલીસે પ્રથમ નજરે ટ્રકની તપાસ કરતા જોવા મળ્યું કે, ટ્રકમાં ભંગારના ફ્રીજ છે, પરંતુ ફ્રીજ ખોલીને જોતા અંદર દારૂની પેટીઓ સંતાડેલી હતી. પોલીસે ટ્રક ડ્રાઈવર સહિત બે લોકોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રૂ. ૩૮.૧૦ લાખનો દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે ટ્રક સહિત ૪૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં રાજ્યમાં મોટાપાયે દારૂની હેરાફેરી થતી હોય છે. ગુજરાતમાં દારૂ અલગ અલગ વસ્તુની આડમાં ઘુસાડવામાં આવે છે. ગત મહિને મિનરલ વોટરની બોટલ હેઠળ ઘુસાડવામાં આવ્યો છે તો ક્યાંક લસણની ગૂણીમાં છુપાડીની લાવવામાં આવ્યો છે તો ક્યાંક દૂધના ટેન્કરમાં લાવવામાં આવ્યો છે તો ક્યાંક આર્મીનાં સાધનસામગ્રીના ઓઠા હેઠળ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ પહેલા મે મહિનામાં પણ એક જ અઠવાડિયામાં દરમિયાન રૂ.૧ કરોડથી વધુનો દારૂ ઝડપાયો હતો. અમદાવાદમાં અસલાલી રિંગ રોડ સર્કલ પાસે ર્પાકિંગમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ઇ.ઇ.સેલે મોટા જથ્થામાં ૫૮ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તો અરવલ્લીના શામળાજીના વેણપુર પાસે ભારત ગેસના ટેન્કરમાંથી રૂ.૧૨.૫૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો. આ બાજુ ભરૂચ નેશનલ હાઇવે પર ટ્રકમાં લસણની ગૂણની આડમાંથી છુપાવીને લાવવામાં આવી રહેલો રૂ.૮.૭૭ લાખનો વિદેશી દારૂ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો.

તો માર્ચ મહિનામાં પણ બગોદરા ટોલબૂથ નજીકથી ઇન્ડિયન ઓઇલના ટેન્કરમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ પકડાયો હતો. જેમાં ઓઇલના ટેન્કરમાંથી બજાર કિંમત અંદાજે રૂ.૨૦ લાખની વિદેશી દારૂની ૫૦૦ થી ૬૦૦ પેટીઓ જપ્ત કરવામાં આવી હતી.

Previous articleકૈલાસ ગુરૂકુળ ખાતે તુલસી જન્મોત્સવ ઉજવાશે
Next articleવડવા કુંભાર શેરીમાં તસ્કરોનો તરખાટ પ્લાસ્ટીકના વેપારીની દુકાનમાં ખાતર પાડ્યુ