તળાજા પંથકમાં વીજચોરી ઝડપી લેવા આવેલ વિજ તંત્રના અધિકારીઓને ગ્રામજનોના રોષનો ભોગ બનવું પડ્યું હતું અને કાર્યવાહી કર્યા વિના લીલા તોરણે પરત ફરવાની ફરજ પડી હતી.
પાવર ચોરી આચરવા માટે પ્રખ્યાત બનેલ તળાજા પંથકના અનેક ગામોમાં છાશવારે વીજ તંત્રના અધિકારીઓ દરોડા પાડી લાખો રૂપિયાની વિજ ચોરી ઝડપી પાવર ચોરી આચરતા આસામીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા હોય છે પરંતુ છેલ્લા એકાદ માસથી તંત્રના અધિકારીઓ માત્ર તળાજા તાલુકાને જ ટાર્ગેટ કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. આજે વહેલી પરોઢે પીજીવીસીએલ વિભાગનો વિશાળ કાફલો તળાજા તાલુકાના મોટી જાગધાર ગામે ચેકીંગ માટે પહોંચ્યો હતો પરંતુ આ પંથકમાં ચોમાસાના એક સારા વરસાદ બાદ કાયમી ગ્રાહકોને પુરતા પ્રમાણમાં અને સારી સેવા મળતી ન હોવાના કારણે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો હોય એવા સમયે તંત્ર પાવર ચોરી ઝડપવા આવતા ગ્રામજનો દ્વારા ટીમનો ઘેરાવ કર્યો હતો અને ઉગ્ર દલીલો શરૂ કરી હતી. લોકોએ જણાવ્યું કે વીજ પ્રશ્નો ઉકેલવામાં તંત્ર ગલ્લા-તલ્લા કરે છે. વહેલી પરોઢે ઘરની બહેન-દિકરીઓ ઘરોમાં સ્નાન કરતી હોય એવા ટાણે ત્રાસવાદી પકડવા આવ્યા હોય એ રીતે અધિકારીઓ વર્તન અને કામગીરી કરે છે. વીજ ચોરી તો અનેક ગામડાઓમાં થાય છે પરંતુ કામગીરી તળાજા તાલુકામાં જ શા માટે ? આવા અનેક પ્રશ્નોની ઝડી વરસાવી ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરો કર્યો હતો. આ ઘટનાને લઈને દાઠા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો. પોલીસ અધિકારીઓએ લોકોને સમજાવ્યા હતા. અંતે ટીમ ચેકીંગ કર્યા વિના પરત ફરી હતી.