ભાવનગર મહાપાલિકા દ્વારા ત્રીજા દિવસે અલગ-અલગ બે વિસ્તારમાં લાગેલ દબાણો દુર કરી અનેક આસામીઓનો માલસામાન જપ્ત કર્યો હતો.
શહેરના અનેક રાજકિય અગ્રણીઓ તથા તેના મળતીયાઓને સારા પ્રમાણમાં રાજકિય પીઠબળ તથા છુપા આશિર્વાદ છે. જેને લઈને તંત્રની અનેક જગ્યાઓમાં મોટાપાયે દબાણો યથાવત છે ત્યારે ભાવનગર મહાપાલિકાના કમિશ્નરની સુચનાથી ત્રણ દિવસથી અલગ-અલગ વિસ્તારોમાં દબાણ હટાઓ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અન્વયે આજરોજ દબાણ હટાવ સેલ દ્વારા સહકારી હાટ નજીક આવેલ શોભરાજ કોમ્પ્લેક્ષ આસપાસ પાર્કિંગ સહિતના એરિયામાં ખડકાયેલા દબાણો દુર કર્યા હતા. ઉપરાંત ઘોઘારોડ પર આવેલ લીમડીયુ વિસ્તારમાં રોડ પર દબાણ રૂપ લારી ગલ્લા સહિતના દબાણો પર જેસીબી ફેરવી દેવાયું હતું તથા સાંજના સમયે ઘોઘા જકાતનાકા, શિવાજીસર્કલ સમીપ મ્યુ. શોપીંગ સેન્ટર આસપાસના દબાણો તથા મકાનો-દુકાનો ધ્વંસ કરવામાં આવ્યા હતા અને મોટી માત્રામાં દબાણનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. તંત્રના પગલાના કારણે દબાણકર્તા આસામીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો તથા પોતાની વસ્તુઓ હટાવવા ભાગદોડ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ડ્રાઈવ હવે નિયમિત રૂપે શરૂ જ રહેશે. સોમવારે નિલમબાગ, નિર્મળનગર, ચાવડીગેટ સહિતના વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.