૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરાશે : વિજય રૂપાણી

933

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આ સરકાર સોશિયલ સેક્ટર સામાજિક અધિકારીતાના ક્ષેત્રોને પ્રાધાન્ય આપીને ગ્રામીણ કારીગરો, ગરીબ-વચંતિ-શોષિતો છેવાડાના માનવીના હિતને  કેન્દ્રસ્થાને રાખનારી સરકાર છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોના છેવાડાના વિસ્તારના કારીગરો, હાથશાળ, હસ્તકલા તથા નાના વ્યવસાયકારોને સાઘન સહાય આપી સરકારે તેમને સ્વરોજગારીથી આત્મનિર્ભરતાના માર્ગે વાળવા તેમની આંગળી પકડી છે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ આયોજિત સ્વરોજગારી સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં ૫૦૦ જેટલા વિવિધ લાભાર્થીઓને ૪૮ લાખ રૂપિયાના સાધન-કીટ વિતરણ કર્યા હતા. આ વિભાગ હસ્તકના ગુજરાત હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ, ગ્રીમકો, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી ઈન્સ્ટીટ્યુટ તથા ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧ લાખ ૨૪ હજાર ૩૪૦ ગ્રામીણ યુવા-બહેનોને તાલીમ આપીને ૬૦.૫૩ કરોડના સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા છે. વિજય રૂપાણીએ સ્વરોજગારીના સાધન સહાય પ્રાપ્ત કરનારા લાભાર્થીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ સુધીમાં દેશના ખેડુતોની આવક બમણી કરવાનો ધ્યેય રાખ્યો છે. આપણે પણ ગ્રામીણ કારીગરો-હસ્તકલા કસબીઓની આવક બમણી કરવાની નેમ સાથે વ્યાપક સાધન સહાય રોજગાર અવસરો આપવા છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આઝાદી પછી અનેક વર્ષો સુધી ગરીબી, બેકારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો જ થતી રહી પરંતુ નિયતમાં ખોટ હોવાથી કાંઈ પરિણામ આવ્યું નહિં. હવે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેતૃત્વમાં સાફ નીતિ અને નેક નિયત વાળી સરકાર આવતાં પારદર્શીતા અને પ્રામાણિકતાથી હરેક યોજનાના લાભાર્થીઓને લાભ-સહાય એક પણ પાઈ કોઈનેય આપ્યા વિના મળતા થયા છે તેમ તેમણે જણાવ્યું હતું. વિજય રૂપાણીએ કહ્યું કે, ગ્રામીણ કારીગરો, હસ્તકલા, હાથશાળ, પરંપરાગત વ્યવસાય કરનારા નાના કારીગરોને તેમનો આ વ્યવસાય વધુ વિકસાવવાની વ્યાપક તક મળે, હસ્તકલા-પરંપરાગત વ્યવસાયમાં ગુજરાત નંબર વન બને તેવી વિકાસની છલાંગ લગાવવાનો અવસર મળે તે માટે સરકાર તેમની પડખે ઊભી છે.  ગરીબ-અમીરની ખાઈ દૂર કરી હર હાથ કો કામ નો મંત્ર આ સરકારે અપનાવ્યો છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે ગુજરાત રોજગારી આપવામાં છેલ્લા દોઢ દાયકાથી અવ્વલ છે તેમ જણાવતા કહ્યું કે, ગ્રામીણ કરીગરો-બહેનો-માતાઓને આર્થિક આધાર આપવા આવા સ્વરોજગાર સાધન સહાય વિતરણ સાથે તાલીમ પણ આપીને રોજગારી આર્થિક આધાર આપ્યો છે.

Previous articleરોકાણકારોના નાણા ઠગનાર કંપનીઓ સામે પગલા લેવાશે
Next articleયુજીસી-સીમેટ, જીપેટ સહિતની તમામ પરીક્ષા હવે ઓનલાઇન