કોંગ્રેસનાં નેતાઓના જૂઠ્ઠા આક્ષેપોને ફગાવતાં ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રની કોંગ્રેસનાં દબાણમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ જૂઠ્ઠા નિવેદનો કરી રહ્યાં છે. કોંગ્રેસની જૂઠ્ઠાણાં ફેલાવો યોજનાથી ગુજરાત કે દેશની જનતા કયારેય ભ્રમિત થવાની નથી. દેશની જનતા જાણે છે કે, મેહુલ ચોકસી, નિરવ મોદી, વિજય માલ્યાના બેંક લોનના કૌભાંડો કોંગ્રેસના શાસનના સમયમાં થયાં હતાં. કોંગ્રેસના દબાણથી જ લોન આ ભાગેડુઓને આપવામાં આવી હતી. તે દેશની પ્રજા સુપેરે જાણે છે. પંડયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સંસદમાં કૌભાંડકારો સામે અનેક કડક કાયદાઓને પસાર કર્યાં છે. તમામ ડિફોલ્ટરો પર અનેક દરોડાઓ પાડીને તેમની સંપતિઓ જપ્ત કરવાની કાર્યવાહી આદરી છે અને તેમાં સફળતા મેળવી છે. કેન્દ્ર સરકાર આ તમામ ગુનેગારોના પ્રત્યારોપણ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ દેશો સાથે કરાર કરીને તેમને ભારત પરત લાવવા માટે બનતા તમામ પ્રયાસો સક્રિય રીતે કરી રહી છે. દરેક દેશનાં કાયદા જૂદા હોય છે, તેમ છતાંય તેમની સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કેસ કરીને ભાગેડુઓના પ્રત્યારોપણ માટે પ્રયાસ કરી રહી છે. તે સહુ જાણે છે. પંડયાએ કોંગ્રેસ પર તીવ્ર પ્રત્યાઘાત આપતાં જણાવ્યું કે, કોંગ્રેસના શાસન દરમ્યાન મધ્યપ્રદેશમાં ભોપાલ ગેસ કાંડમાં હજારો નાગરીકોના મૃત્યુ થયાં હતા.
ઝેરી ગેસની અસર વર્ષો સુધી રહી હતી. અર્જૂનસિંહ જેવાં કોંગ્રેસી નેતાઓની સાંઠગાંઠના કારણે ફેકટરીના આરોપી માલિક એન્ડરસનને ભગાડવામાં કોંગ્રેસે સક્રિય ભુમિકા ભજવી હતી, તે દેશની જનતા હજૂ સુધી ભુલી શકી નથી. વર્ષ ૨૦૧૩ માં એન્ડરસનનું મૃત્યુ થયું તે પહેલાં કોંગ્રેસે તેના શાસનમાં એન્ડરસનને પરત લાવવાની કોશિશ સુદ્ધાં પણ કરી નથી. કોંગ્રેસ આ ઘટનાક્રમનો જવાબ આપવાને બદલે ભાજપ પર આક્ષેપ લગાવે તે નિંદનીય છે. રાષ્ટ્રવાદી ભાજપને જનતા જનાર્દનનું સમર્થન છે અને કોંગ્રેસની આ જૂઠ્ઠાણાં ફેલાવો યોજના દેશની જનતા સારી રીતે સમજી ચુકી છે, તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.