જાફરાબાદ તાલુકાના ભાડા ગામના કોળી યુવાન રમેશભાઈ ડાભીને ર૯ જુલાઈના રોજ નાગેશ્રી પીએસઆઈ દ્વારા ચોરીના ગુનાની શંકામાં પુછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો પરંતુ કોઈ નિવેદન લીધા વિના કે કોર્ટના રિમાન્ડ વગર પોલીસ કર્મીઓ દ્વારા યુવાનને ઢોર માર માર્યો હતો તેમજ યુવાનને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાના કારણે સૌ પ્રથમ ઉના સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ હાલમાં યુવાનને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે ગ્રામજનોનું કહેવું હતું કે દોઢ વર્ષ પહેલા ભાડા ગામની સગીર વયની યુવતી પર દુષ્કર્મ કરી હત્યા કરવામાં આવી હતી તે સમયે પોલીસ તંત્ર આરોપીને પકડવામાં નિષ્ફળ નિવડી હતી અને ગામના યુવાનો દ્વારા આ આરોપીને પકડી પોલીસ હવાલે કર્યો હતો તેના દુષ્કર્મ આચરનારના કુટુંબને ગામ બહાર કાઢેલ છે તેના કારણે એ લોકો આ યુવાનો પર પોતાની ઘરવખરી ચોરીના આરોપો નાખી વારંવાર હેરાન કરે છે અને ખોટા કેસો કરાવે છે. આ સમગ્ર ઘટનાના કારણે કોળી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આથી ખેડૂત અગ્રણી તથા કોળી સમાજના આગેવાન મનુભાઈ વાજા, જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ ભીમભાઈ કવાડ, રમેશભાઈ પરમાર, જગદિશભાઈ રંગપરા, અજયભાઈ શિયાળ, ભાણાભાઈ ગુજરીયા, લાલાભાઈ શિયાળ, પાચાભાઈ ધુંધળવા, મેઘાભાઈ બારૈયા સહિતના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર ત્યારબાદ અમરેલી એસ.પી.ને રૂબરૂ મળીને જવાબદાર પોલીસ અધિકારી તથા પોલીસ કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.