સુપરસ્ટાર ઓફ મિલેનિયમ તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચનનો આજે જન્મદિન છે, પરંતુ આ દિવસે તેઓ વિદેશ હોવાના કારણે અનેક ચાહકો નિરાશ થયા છે. ગાંધીનગરમાં રહેતા એક પ્રશંસક ૧૯૯ર ના વર્ષથી બિગ-બી ના જન્મદિને તેમને શુભેચ્છા આપવા મુંબઈ જાય છે. જો કે આ વર્ષે બચ્ચન વિદેશ હોવાથી તેમનો આ ક્રમ તૂટયો છે.
પાટનગરના સેકટર – ૧ર ના રહેવાસી અને વ્યવસાયે એડવોકેટ દિલીપસિંહ બિહોલાએ ૧૯૮૭ ના વર્ષમાં બચ્ચનની સૌપ્રથમ ફિલ્મ મુકદર કા સિકંદર જોઈ હતી. ત્યાર બાદ બચ્ચન પ્રત્યેની તેમની લાગણી વધતી ચાલી અને ૧૯૮૮ થી તેમણે બચ્ચનને લગતા લેખો -તસવીરોનું કલેકશન એકત્ર કરવા માંડયું. આ કલેકશન લઈને તેઓ ૧૯૯૬ માં બચ્ચનના બર્થ ડે નિમિત્તે મુંબઈ ગયા હતા. સેંકડો પ્રશંસકોની ભીડમાં તેમણે આ કલેકશન બચ્ચનને બતાવ્યું અને બચ્ચને બોલાવ્યા. મહાનાયકને જોતા જ દિલીપસિંહ ભેટી પડયા અને બચ્ચને તેમના કલેકશન પર ઓટોગ્રાફ આપ્યો. ત્યારબાદ ત્રણ વખત તેઓ બચ્ચનને મળ્યા અને અવાર-નવાર પત્રોના માધ્યમથી પણ તેઓ બચ્ચનના સંપર્કમાં રહે છે. બચ્ચન પ્રત્યેના પ્રેમને વશ થઈને તેમણે બચ્ચન ચાલીસા પણ લખી છે, જેમાં બચ્ચનના અંગત જીવનથી માંડીને ફિલ્મ સફર આવી જાય છે.