માણસા શહેરમાં રખડતાં ૧૦૬ ઢોરને ડબ્બે પુરી દેવામાં આવ્યા

1186

માણસા શહેરમાં ગાંધીનગર રોડથી શરૂ કરીને વિજાપુર રોડ સુધી ઠેરઠેર રખડતા ઢોર કબજો જમાવીને રોડ પર બેસી ગયેલા જોવા મળતા હતા. જેના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાતા અને સતત નાના મોટા અકસ્માતના બનાવ બનતા હતા. ભૂતકાળમાં તો રખડતા ઢોરના કારણે શહેરમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. પરંતુ તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષથી કોઈ પણ કાર્યવાહી ઢોરને રોડ પરથી ખસેડવા માટે કરવામાં આવતી ન હતી.

છેવટે શહેરીજનોની રજૂઆતોને પગલે તંત્રને જગાડવા માટે દિવ્ય ભાસ્કર દ્વારા આ અંગે સમાચાર પ્રસિદ્ધ કરાતા તંત્ર હરકતમાં આવ્યું હતું. શુક્રવારથી રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ માત્ર બે દિવસમાં ૧૦૬ ઢોરને પકડી ડબ્બે પુરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર માણસા શહેરના મોટાભાગના રોડ પર નધણિયાતા કે માલિકો દ્વારા પોતાની જરૂરિયાત પૂરી થઈ જતા છોડી દેવાયેલા રખડતા ઢોર વાહન ચાલકો અને રાહદારીઓ માટે ત્રાસરૂપ બની ગયા હતા. શહેરના મુખ્ય હાઇવે સહિત તમામ રોડ પર ઢોર આડાઅવળા બેસી જઈ સમગ્ર રોડને બાનમાં લઇ લેતા નજરે પડતા હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં રહ્યું હતુ. માણસા પાલિકા તંત્રે બે વર્ષ અગાઉ રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરી હતી.

પરંતુ બાદમાં ફરીથી ક્યારેય વાહનચાલકોને પરેશાન કરતા કે રાહદારીઓને અડફેટમાં લેતા કે અકસ્માતો સર્જાતા ઢોરને પકડવાની જાણે કે જરૂર જ ના હોય તેમ કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. જે બાબતે શહેરીજનોએ પણ કંટાળીને આખરે મીડિયાનો સહારો લીધો હતો અને ત્યાર બાદ તંત્ર હરકતમાં આવ્યું હતુ. શુક્રવારથી તંત્રે રખડતા ઢોરને પકડવાનો સિલસિલો ફરીથી શરૂ કર્યો છે અને એસઆઇ હિતેન્દ્ર ચારણ અને તેમની ટીમ દ્વારા શહેરના તમામ રસ્તાઓ પરથી તેમજ સોસાયટીઓના ઘરોમાં પણ આવા અડ્ડા જમાવીને બેઠેલા રખડતા ૩૦ આખલા, ૪૯ ગાય અને ૨૩ વાછરડાને ડબ્બામાં પુરી અને એક જગ્યાએ એકત્રિત કરવામાં આવ્યા હતા. તંત્ર પાસે આવડા મોટા શહેરમાં એક પણ ઢોરવાડો ન હોવાના કારણે સંગ્રહ નો પ્રશ્ન જટિલ બનતા સત્વરે પાંજરાબોળમાં મોકલવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોડે મોડે પણ તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી શહેરીજનોએ આનંદ વ્યક્ત કર્યો હતો.

Previous articleઅભિનેત્રી રૂપાલી ગાંગુલીની કારનો પીછો કરી હુમલો કર્યો
Next articleગુડા દ્વારા પાર્કીંગની જગ્યા ખોલવા ૩૪ પાકા દબાણો હટાવ્યા : મનપા કયારે કાર્યવાહી કરશે