તારીખ ૪ અને ૫ ઓગસ્ટ, ૨૦૧૮ ના રોજ મુંબઈનું અનમોલ ગ્રુપ ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની દ્વિ-દિવસીય મુલાકાતે છે ત્યારે તેઓએ ફ્રેન્ડશીપ-ડેની પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે અનોખી રીતે ઉજવણી કરી સમાજ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આશરે ૩૫ થી વધુ ગ્રુપના સભ્યોએ પ્રથમ દિવસે શાળાની વિવિધ પ્રવૃતિઓ, પ્રજ્ઞાચક્ષુ બાળકોને અપાતું શિક્ષણ, કૉમ્પ્યૂટર શિક્ષણ, હૉમ સાયન્સનું શિક્ષણ તેમજ સંસ્થાના જુદા જુદા વિભાગોની મુલાકાત લઈ અભિભૂત બન્યા હતા. આ ઉપરાંત અનમોલ ગ્રૂપ દ્વારા સંસ્થાનાં ૧૬૦ જેટલા બાળકોને કપડા, હેન્ડબેગ અને અન્ય જીવન જરૂરિયાતની સામગ્રીનો સેટ ગિફ્ટમાં આપ્યો હતો. આ પ્રસંગે અનમોલ ગ્રુપના કિર્તીભાઈ શાહે સંસ્થાની પ્રવૃત્તિઓ અને બિરદાવવા સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીનું તિલક અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જ્યારે બીજા દિવસે તારીખ ૫ નાં રોજ અંધકારમય જીવનમાં સરી પડેલા કેટલાય પ્રજ્ઞાચક્ષુ દીપકને જ્યોતિર્મય બનાવનાર અને નિસ્વાર્થભાવે સંસ્થામાં સેવા આપનાર સ્વ. વિનોદરાય હરિલાલ શાહની ૧૦મી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ અને પ્રજ્ઞાચક્ષુ બાળકોનો એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ અલગ અલગ થીમ સુંદર પરફોર્મન્સ આપી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ સમગ્ર કાર્યક્રમને ટેલિફોનથી સંબોધી સંસ્થાની સિદ્ધિ દર્શાવતા સમાચાર આપ્યા હતા. તેઓ સંસ્થા પ્રમુખ શશીભાઈ આર. વાધરને રાજ્યનો શ્રેષ્ઠ એવો સ્વ. ભીખાભાઈ ચુનીલાલ શાહ પારિતોષિકથી રાજભવન ખાતે રાજ્યપાલ ઓ.પી. કોહલીનાં વરદ હસ્તે સન્માનિત કરવામાં આવેલ છે. આ સિદ્ધિને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. ઉપરાંત મુંબઇના ખ્યાતિપ્રાપ્ત ગાયિકા હીના ઠક્કર દ્વારા અદભુત ગીતો ગાય અલભ્ય વાતાવરણનું સર્જન કર્યું હતું. આ પ્રસંગે અનમોલ ગ્રુપના કિર્તીભાઇ શાહે સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી એક ઉત્તમ સમાજની રચના માટે ખૂબ જ જરૂરી એવું પાસું સંસ્થા દ્વારા ઘડવામાં આવી રહ્યું છે. તેમ જણાવ્યું હતું તેઓએ કહ્યું હતું કે સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે વિતાવેલા બે દિવસની યાદગીરી તેઓની જિંદગીની ક્યારેય ન ભૂલી શકાય તેવી યાદગીરીરૂપે હંમેશા માટે સજ્જ થશે. તેઓએ આ કાર્ય માટે આમ સમાજના અન્ય ગ્રુપો અને લોકોને પ્રજ્ઞાચક્ષુ અને અન્ય વિકલાંગ લોકોની મદદે આવવા અપીલ કરતા ખાતરી આપી હતી કે ભવિષ્યમાં પણ પ્રજ્ઞાચક્ષુ બાળકોના હિતાર્થે ગ્રુપની સેવાની જરૂર હશે તો ચોક્કસપણે તેઓ મદદ માટે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સંસ્થા વતી માનદ મંત્રી મહેશભાઈ પાઠકે સ્વ. સ્વ. વિનોદરાય હરિલાલ શાહની સેવાને યાદ કરતા સંબોધન કર્યું હતું કે વિનુભાઈએ તેમની સેવા દરમ્યાન શાળામાં શિક્ષણ મેળવતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને જીવનલક્ષી ઉત્તમ સુટેવોનું ઘડતર કરી મુલ્યવાન આદર્શ શિક્ષણ સતત ૩૩ વર્ષ સુધી નિયમિતપણે રવિવારની રજામાં પણ વિશિષ્ટ સેવા બજાવી પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં ઉત્તમ ગુણોનું સિંચન કર્યું હતું. આ ઉપરાંત તેઓએ અનમોલ ગ્રુપની આ સુંદર એક્ટીવીટીને બિરદાવી અન્ય સમાજ માટે એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી નીલાબેન સોનાણી, પંકજભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ વાઘેલા સહીત બહોળી સંખ્યામાં શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકો, શિક્ષકો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.