મુખ્યમંત્રીની સૂચના : ટ્રાફિક ઝૂંબેશ સફળ થશે કે પછી દારૂબંધી જેવુ જ !
મુખ્યમંત્રી વિજયભાઈ સરળ અને પ્રજાના પ્રશ્નો સમજતા હોવાથી તેમણે દરેક મહાનગરોમાં ટ્રાફિકને નડતર રૂપ દબાણો હટાવી અને દૂર કરવા તથા ટ્રાફિક – પાર્કીંગને લગતા પ્રશ્નો ઉકેલવા તાત્કાલિક સુચના આપી અમલ કરાવવાનું શરૂ તો કરાવ્યું છે. પરંતુ કેટલાક જાણકારોના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે સરકારી અધિકારીઓ આ સંપૂર્ણપણ ઉકેલની દિશામાં પ્રયાસ કરશે ખરા ? કે પછી દારૂબંધી જેવું સબ સલામતનું રીપોટીંગ માત્ર કરશે. દરેક શહેરમાં ટ્રાફિકને સૌથી મોટી અડચણરૂપ વ્યવસ્થા હોય તો તે છે શટલીયા રીક્ષા-જીપ-વાન- છકડા કે ગમે ત્યાં ઉભા કરી ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા પેદા કરે છે અને તે બેનંબરના વાહન વ્યવહારના એજન્ટો પણ હોય છે જે આખા ગુજરાતમાંથી કરોડો રૂપિયા ઉઘરશાવી પોલીસ ખાતાને આપે છે.
દારૂમાં પણ સ્ટેન્ડ જેટલા હોય તેટલા તે પોલીસ સ્ટેશનના આવકનો આંકડો મોટો હોય છે. તેવી રીતે આ પેરેલલ શટલીયા ટ્રાફિકના આંકડા પણ લાખો-કરોડોમાં હોય છે. અને આ વ્યવસ્થામાં રહેલા વાહનો પણ અધિકારીઓના અને પોલીસના પ૦ ટકાથી વધારે હોય છે. તેથી આટલી મોટી રકમ જતી કરીને શું અધિકારીઓ ખાસ કરીને પોલીસ મુખ્યમંત્રીનો આદેશ માનશે કે કેમ તે મોટો પ્રશ્ન જાણકારોના મતે છે વળી પ્રદિપસિંહ – ગૃહમંત્રી પણ વાતોમાં કોઈને છોડવામાં નહી આવે તેવું કહે છે. પરંતુ લગાવેલા સીસીટીવી આગળ બેસીને બે કલાક સમય કાઢે તો આવા વાહનો અસંખ્ય તેમના જ સીસીટીવીમાં દોડતાં જરૂર જોઈ શકાશે. પરંતુ પેલી કહેવત મુજબ ચાવવાના અને દેખાડવાના જુદા જેવો ઘાટ રાજકારણીઓનો હોય છે જેમનો વિશ્વાસ એટલે જ કોઈ હાલ કરવા માંગતું નથી.
ભાનુશાળી દુષ્કર્મમાં સમાધાન એટલે મહિલાઓ પ્રત્યેની ભાવનાને જોરદાર તમાચા બરાબર !!
મહિલાઓને સંસ્કૃતિમાં સ્થાન છે. હિન્દુ જ નહિં તમામ ધર્મોમાં યેનકેન રીતે મહિલાને ઉચ્ચ સ્થાને કે સમાન સ્થાને જોવામાં આવે છે. પરંતુ સ્વાર્થી લોકોના કારણે જન્મ પહેલાં મહિલાઓને મારીને પુરુષ : સ્ત્રીનો રેશીયો ખોરવાયો છે. રાજા રામમોહન રાયના વખતથી સ્ત્રીની હાલતમાં ખાસ ફેર પડયો હોય તેમ લાગતું નથી. દુધ પીતી કરીને પહેલાં મારી નાખતા હવે બીજી રીતે ! જન્મ પછી પણ એક સ્ત્રીની લાજ જળવાતી નથી સત્તા લોલુપ કે પૈસામાં અંધ બનેલા વરૂઓ સમાજમાં ફરતા હોય છે જે એકલી મળેલી મહિલાને પીંખી નાખતા વાર પણ કરતાં નથી. એક જમાનો હતો કે ગુજરાતમાં ગાય અને સ્ત્રી માટે લડાઈઓ તેમની આમન્યા માટે માથા કપાવનારા સૂરવીરો સમાજમાં હતા અને તેના અસંખ્ય ઉદાહરણો પણ મોજુદ છે.
પરંતુ તેની લાચારીનો લાભ લેનારા વરૂઓ બિહારના શેલ્ટર હાઉસમાં કે પછી દિલ્હીના નિર્ભયા કે ગુજરાતનો કચ્છ હોય બધે જ જોવા મળે છે. જયંતિ ભાનુશાળીના કેસમાં સમાધાન એટલે મહિલાની આમન્યા, ભાવનાને એક જોરદાર તમાચો છે. સામાજિક કારણોસર કરેલા સમાધાનથી શું દુષ્કર્મ માફ થઈ જશે ? અને ત્યાં સુધી કહેવાય છે કે સમાધાન બાદ ભાજપના અનેક નેતાની ઉંઘ હરામ થઈ જવાની છે. કારણ કે પાપનો ઘડો ભરાય છે જરૂર…
ભાજપમાં લીધેલા કોંગ્રેસીઓ ગળાની હડ્ડી બની શકે તેમ છે
ભાજપે કોંગ્રેસમાંથ કેટલાયને ભાજપમાં ભેળવ્યા છે ખરા પરંતુ સમય આવે તેઓ હાથતાળી આપી ફરી ભાજપ માટે ગળાની ફાંસ બની શકે છે. પાટીદાર સમાજ દ્વારા આંદોલનથી થોડા પ્રસિધ્ધમાં આવેલા વરૂણ અને રેશમા હોય કે પછી રાજયસભાની ચૂંટણીઓ વખતે લીધેલા ધારાસભ્યો હોય પરંતુ બધા સમય આવે માથું ઉંચકે તેમ છે. ગાંધીનગરમાં આજદિન સુધી ભાજપમાંથી ચૂંટાયેલ મેયર બની શકાયો નથી. કોંગ્રેસમાંથી તોડીને ભાજપે સત્તા હાંસલ કરી છે. હાલના મેયરે તો એટલી હદ કરી કે ખુદ ભાજપના તમામ હોદેદારોને સામાન્ય સભાનો બહિષ્કાર કરવો પડયો. મેયરને હવે માંડ બે માસ બાકી હોવાથી તે ફરી પોતાના કોંગ્રેસી ટંગમાં આવી ભાજપને પાઠ ભણાવવા તૈયાર થઈ ગયા છે. ભાજપના નિર્ણયોને કોંગ્રેસીઓની મદદથી તેઓ ફેરવીને ભાજપને રીતસરનો પાઠ ભણાવી દીધો છે અને ફરી પાછા કોંગ્રેસમાં જઈ કોંગ્રેસના ઉમેદવારને મેયર બનાવે તો નવાઈ નહીં !! આમ ભાજપમાં લીધેલા કોંગ્રેસીઓ સમય આવે ભાજપે ગળેલી હડ્ડી બની ફસાઈ શકે તેમ છે…
સરકારના જુદા જુદા નિર્ણયોથી વિદ્યાર્થી શિક્ષક એક પ્રયોગના સાધન જેવા !!
સરકાર કંઈક ને કંઈક શિક્ષણમાં નવું કરવાને બહાને પ્રયોગાત્મક આદેશો બહાર પાડી ફતવા જેવા પ્રયત્નો કરે છે. જેના ઓબજેકટ કે સાધનો બને છે વિદ્યાર્થીઓ અને શિક્ષકો… યોગદીન હોય કે પછી અન્ય જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આદેશો છૂટે છે જ ! પહેલાં સહાયકનો શિક્ષકો પર પ્રયોગ કર્યો અને તીજોરીમાં બચત થઈ એટલે તે પ્રયોગ અન્ય વિભાગોમાં પણ લાગુ પાડવામાં આવ્યો જે આજે બેરોજગારોની સૌથી મોટી મજાક બની ગયો છે. સુપ્રિમમાં પણ હારી ગયા છતાં તે દૂર કરી શકયા નથી. પુસ્તકો અને તેના મટીરીયલમાં છબરડા કરીને કોઈ સ્પષ્ટ અભ્યાસક્રમ પણ નથી રખાતો જેથી કરીને વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે અને શિક્ષકો ભણાવી શકે..
કયારેક પકોડા વેચવાના ફતવા જેવી વાતો કરાય જેમાં એમને એ પણ ખબર નથી કે પકોડા વેચવાનો ધંધો કહેવાય અને જેમાં શિક્ષણની કશી ભૂમિકા નથી અને બેરોજગારીને રોજગારીની કોઈ વ્યાખ્યા તેને લાગુ પાડી ન શકાય !! શિક્ષણને બચાવે તો ભગવાન જ બચાવી શકે તેમ છે !