પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના તા.૨૫મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસની તારીખ નજીક આવતી જાય છે તે પહેલાં આજે હાર્દિક પટેલનું આર્થિક આરક્ષણ મુદ્દે નિવેદન સામે આવ્યું છે, જેને લઇ ગુજરાતના રાજકારણમાં ફરી પાછો ગરમાવો આવ્યો છે. હાર્દિક પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, જો અમને આર્થિક ધોરણે પણ અનામત આપવામાં આવશે તો પણ હું આંદોલન બંધ કરી દઈશ. ૧૫ થી ૧૮ ટકા આર્થિક અનામતના નામે લોલીપોપ સાબિત ન થવી જોઈએ. આર્થિક દ્રષ્ટિએ બધા જ સમાજને અનામત વિચારણાને સમર્થન મળવું જોઈએ. હાર્દિક પટેલ સમાજના તમામ વર્ગોને આર્થિક અનામતનો લાભ આપવાના વિકલ્પને પણ ગ્રાહ્ય રાખવાની વાત કરી હતી. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ફરીથી વેગવંતુ બનાવવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિએ ધમધમાટ શરૂ કર્યો છે. ગઈકાલે પાસ કન્વીનરોની અમદાવાદમાં બેઠક મળી હતી. જેમાં તા. ૨૫મી ઓગસ્ટના ઉપવાસ આંદોલન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એટલું જ નહી, આ અંગેની રણનીતિ અને જરૂરી પગલાંની રૂપરેખા પણ નક્કી કરવામાં આવી હતી. પહેલથી જ પાટીદાર નેતા હાર્દિક પટેલે સ્પષ્ટ કરી દીધું હતું કે, તા.૨૫મી ઓગસ્ટે ઉપવાસ થઈને જ રહેશે. પોલીસ મંજૂરી નહી આપે તો હાઈકોર્ટના દરવાજા ખટખટાવવામાં આવશે. જો કે, કોઇ અવ્યવસ્થા ન સર્જાય તેનું ધ્યાન રાખવામાં આવશે અને જ્યાં ઝૂકવુ પડશે ત્યાં ઝૂકીશું.
ઉલ્લેખનીય છે કે, આગામી તા.૨૫મી ઓગસ્ટથી પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામત અને રાજયમાં ખેડૂતોના દેવા માફીના મુદ્દાને લઇ આમરણાંત ઉપવાસ પર ઉતરવાની પહેલેથી જ જાહેરાત કરાઇ છે ત્યારે આજના હાર્દિકના આર્થિક અનામતને લઇ અપાયેલા નિવેદનને લઇ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે.