ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સાત યુવાનો દીવ ખાતે ફરવા ગયા હતા ત્યારે આજરોજ દિવથી પરત ફરતાં ઉનાથી ચાર કિલોમીટર દુર અર્ટીગા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતા કારમાં સવાર સાત યુવાનોમાંથી બેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજયા હતા. જ્યારે અન્ય પાંચ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
બનાવની મળતી વિગતો મુજબ, મહુવાથી દીવ અર્ટીગા કાર લઈ ફરવા માટે ગયેલા સાત યુવાનો ચિરાગ રવીભાઈ પરમાર ઉ.વ.ર૭, મહેશ લાલાભાઈ મકવાણા ઉ.વ.૩પ, રાહુલભાઈ ભીલ ઉ.વ.ર૮, હિમાંશુ સુરેશભાઈ ત્રિવેદી ઉ.વ.ર૦, જીતુભાઈ હિરાભાઈ સોલંકી ઉ.વ.ર૭, અમૃતભાઈ પ્રેમજીભાઈ ઉ.વ.૩૦ અને મેહુલભાઈ ધીરૂભાઈને દીવથી પરત મહુવા આવતા હતા ત્યારે ઉનાથી ચાર કિલોમીટર દુર મોરલીધર હોટલ નજીક અર્ટીગા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતા કારમાં સવાર ચિરાગભાઈ પરમાર અને મહેશભાઈ મકવાણાના ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યા હતા. જ્યારે રાહુલભાઈ ભીલને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયા છે તેમજ અન્ય યુવાનોને ઉના હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બનાવની જાણ થતા મહુવા ખાતે ખળભળાટ સાથે શોક છવાઈ જવા પામ્યો હતો. બનાવ અંગે પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી કેસ કાર્યવાહી કરી હતી.