ટાઇગર શ્રોફ સ્ટારર ‘બાગી’ અને ‘બાગી ટુ’ની જબરદસ્ત સફળતા બાદ મેકર્સ હવે ત્રીજી સિક્વલની તૈયારી પણ કરી રહ્યા છે. ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલાએ તો ‘બાગી ટુ’ના પ્રચાર કરતી વખતે જ ‘બાગી થ્રી’ની ઘોષણા કરી હતી. જોકે, હવે તે અમલમાં મુકાઇ રહી છે. હાલમાં ટાઇગર કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ટુ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમાં ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે અને તારા સુતારિયા પણ મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. આ ઉપરાંત ટાઇગર રિતીક રોશન સાથે પણ એક્શનથી ભરપૂર એક ફિલ્મ કરી રહ્યો હોવાથી ‘બાગી થ્રી’ના શૂટિંગને આવતા વર્ષના મે અથવા જૂન મહિનાથી શરૂ કરવામાં આવશે. આ ફિલ્મની હીરોઇન કોણ હશે અને તેનું દિગ્દર્શન અહેમદ ખાન કરશે કે નહીં એ તો હજુ નક્કી કરાયું નથી. ખેર, બાગીની સફળતા બાદ ટાઇગરની ઝોળી ફિલ્મોથી ભરેલી રહે છે. હજુ તે એક સાથે બે ફિલ્મના કામ પર ધ્યાન દઇ રહ્યો છે.