ફ્રેન્ડશીપ ડે એટલે મિત્રો સાથે મોજ મસ્તીનો દિવસ, મિત્રો સાથે આનંદ કરવાનો દિવસ, પરંતુ જે બાળકો અનાથ, નિરાધાર કે વંચિત છે તેમના માટે તમામ દિવસો જાણે સરખા જ છે.
ગાંધીનગરના સેક્ટર-૧૩ ખાતેની નંદનવન આશ્રમશાળાના ૧૨૦ બાળકોને શહેરના ઉર્મિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હેપ્પી યૂથ ક્લબના સંયુક્ત ઉપક્રમે “ફ્રેન્ડશીપ ડે”ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના સેવાભાઇ યુવાનોએ બાળકોને મોજ મસ્તી કરાવી નાસ્તો પણ કરાવતા બાળકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા.
ગઇકાલે ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે ફ્રેન્ડશીપ ડે નિમિત્તે સવારે સેક્ટર-૧૩ની નંદનવન આશ્રમશાળા ખાતે બાળકોને મળવા ઉર્મિલા ચેરિટેબલ ટ્રસ્ટ તથા હેપ્પી યૂથ ક્લબના સેવાભાવી યુવાનો પહોચી ગયા હતા અને બાળકોને વાર્તાઓ, જોક્સ વગેરે કહી ભરપૂર આનંદ કરાવ્યો હતો. ફ્રેન્ડશીપ ડેના દિવસે આ યુવાનો આવી પોતાનો સમય વિતાવવા સાથે મજા કરાવતા બાળકોને પણ આનંદ સાથે આશ્ચર્ય થયું હતું.
આ પ્રસંગે યુવાનોએ બાળકોને ગરમાગરમ બટાકા પૌવાનો નાસ્તો કરાવ્યો હતો તેમજ ચોકલેટ ખવડાવી તેમનું મ્હો મીઠું કરવું હતું. આ ઉપરાંત બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર આવે તે માટે યુવાનોએ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં જાણીતા ગુજરાતી ફિલ્મ નિર્માતા જગદીશભાઇ સોની, નિવૃત સરકારી અધિકારી જી.કે. પરમાર અને આશ્રમ શાળાના આચાર્ય યોગેશભાઈ દરજી મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતા.
આ બાળકો સાથે અનોખા “ફ્રેન્ડશીપ ડે”ની ઉજવણીમાં રાજન ત્રિવેદી, વિવેકા પટેલ, ભાવના રામી, વિજયસિંહ માજીરાણા, વિનય મિસ્ત્રી, શુભાંગી પ્રજાપતિ, ભૂમિકા પટેલ, માર્શલ મોસેસ, ધ્રુવિલ પટેલ, પાર્થ મોળાતર, મહેશ જીરાવાલા, રવિરાજ સથવારા, ઉર્વી પટેલ, બ્રિંદેશ પટેલ, શ્રેયાન્સી શ્રોફ વગેરેએ સક્રિય ભાગ લઈ બાળકોને આનંદ કરાવ્યો હતો. કાર્યક્રમના સમાપને બાળકોએ યુવાનોને ફ્રેન્ડશીપ બેન્ડ બાંધી તેમના આ નવા બનેલા મિત્રો સાથે “સેલ્ફી” પડાવવા ભારે પડાપડી કરી હતી.