પાટનગરમાં દબાણ હટાવ ઝુંબેશના કારણે પાનમસાલાના ગલ્લા અને ફાસ્ટફુડની લારી ધારકોએ વેપારની નવી પેટર્ન અપનાવી છે. આ લોકો દ્વારા હવે, વાન જેવા વાહનોને મોડીફાઇ કરી ફાસ્ટફુડ વાનમાં કન્વર્ટ કરી પુનઃ રાજમાર્ગો અને જાહેર સ્થળો પર કબજો જમાવી દીધો છે. જેના કારણે દબાણ હટાવ ઝુંબેશની અસરકારકતા પર પુનઃ પ્રશ્નાર્થ સર્જાયો છે. એક અંદાજ પ્રમાણે ટ્રાફિક ડ્રાઇવ અને દબાણ હટાવ ઝુંબેશ બાદ આ પ્રકારના વાહનોની સંખ્યામાં વધારો થયો છે. જોકે, આ પ્રકારને વાહનોને ફાસ્ટફુડ વાનમાં કન્વર્ટ કરી વાહનનો હેતુફેર કરવો એ ગુનો બનતો હોવાના કારણે આગામી દિવસોમાં આ પ્રકારના ફાસ્ટફુડ વાન ધારકો વિરૂધ્ધ આરટીઓ વાહન રજિસ્ટ્રેશન રદ્દ કરવા સહિતના પગલે ભરે તેવી શક્યતા ઉભી થઇ છે.આ મામલે જિલ્લા ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનના દબાણ હટાવ સેલ દ્વારા શહેરમા આ પ્રકારે વાહનને મોડીફાઇ કરી વેપાર કરતા વેપારીઓની એક યાદી તૈયાર કરી છે. અને આ યાદી અંગે આરટીઓને જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, આરટીઓમાં વાહનના પ્રકારના આધારે તેનું રજિસ્ટ્રેશન થતુ હોય છે. ફાસ્ટફુડ વાનમાં જે વાહનનો ઉપયોગ થઇ રહ્યો છે તે મોટાભાગે પેસેન્જર વાહનો છે. જેનો કાયદેસર રીતે અન્ય હેતુ માટે ઉપયોગ થઇ શકતો નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાટનગરમાં વાનનો ઉપયોગ ફાસ્ટફુડ વાન બનાવવામાં થઇ રહ્યો છે.
ખાસ કરીને તાજેતરમાં દબાણ હટાવ ટીમ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જે રીતે દબાણો અને ર્પાકિંગ મુદ્દે સખ્ત કાર્યવાહી કરવામં આવી રહી છે તેના કારણે હવે અગાઉ રસ્તાઓ પર આડેધડ લારીગલ્લાઓ ઉભા રાખીને વેપાર કરતા વેપારીઓ માટે આગામી દિવસોમાં આ પ્રકારને વ્યવસાય કરવો મુશ્કેલ બન્યો છે. જોકે, તેઓએ તંત્રની ઉપરોક્ત કામગીરી સામેનો કામચલાઉ રસ્તો શોધી કાઢયો છે. જે સ્થળેથી દબાણો દુર કરવામા આવ્યા ત્યાં હજુપણ લારીગલ્લા ધારકો દ્વારા વેપાર થઇ રહ્યો છે. જોકે, તેની પેટર્ન બદલાઇ છે. લારીગલ્લા ધારકો હવે ઉપરોક્ત સ્થળોએ વાન જેવા વાહનોમાં જોવા મળી રહયા છે. તેઓએ વાનને મોડીફાઇ કરી ફાસ્ટફુડ વાનમાં ફેરવી દીધી છે. આ ઉપરાંત પાનમસાલા વેચતા ગલ્લાધારકો પણ હવે વાનમાં જ વેપાર માંડયો છે. દબાણ ટીમ અને પોલીસ આવતા જ તેઓ દ્વારા વાહનને સેલ્ફ મારીને થોડા સમય માટે સલામત સ્થળે જતા રહે છે. રસ્તો સાફ થયા બાદ પુનઃ તેઓ જે તે જગ્યાએ અડ્ડો જમાવી દે છે. આ પ્રકારના ૫૦ થી ૬૦ વાહનો શહેરમાં ફરી રહ્યા છે. જેઓ દ્વારા દબાણ તંત્ર અને ટ્રાફિકની કામગીરીની ઐસીકી તૈસી થઇ રહી છે.
આ પ્રકારે વાહનોમાં આવી દબાણ કરતા વેપારીઓ સામે આગામી દિવસોમાં પગલા તોળાઇ રહ્યા છે. વાહનોને મોડીફાઇ કરવું તે પણ ગુનો છે અને તેમાં વાહનનું રજીસ્ટ્રેશન રદ્દ થઇ શકે છે. ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનની દબાણ હટાવ ટીમ દ્વારા આ મામલે આરટીઓને જાણ કરવામા આવી છે. આગામી દિવસોમાં આરટીઓ આ પ્રકારના વાહન ચાલકો વિરૂધ્ધ કેવા પગલા ભરે છે તે જોવુ રહ્યુ.