પાટનગરમાં હાથ પર લેવાતી કોઇપણ યોજના વાઇબ્રન્ટ સમિટના નામે ઝડપભેર દોડતી થઇ જાય છે. સ્વર્ણિમ પાર્કના કામ પણ જાન્યુઆરી-૧૯માં મહાત્મા મંદિર પર યોજાનારી સમિટને ધ્યાને રાખીને શક્ય તેટલા કામો તેના પહેલા પુરા કરાશે.
પાર્કની બીજા તબક્કાની કામગીરી માટે સરકારે જરૂરી ખર્ચ તાજેતરના બજેટમાં મંજુર કર્યો છે. અહીં ચિલ્ડ્રન પ્લાઝા, એક્સરસાઇઝ પ્લાઝા, સીટીંગ પ્લાઝા, વોક-વે, ગાર્ડન અને ફૂવારા આજે જ આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યા છે.
ગાંધીનગરની કર્મચારી નગરની ઓળખ મીટાવવા તથા પાટનગર તરીકે અન્ય શહેરોથી અલગ ઓળખ ઉભી કરવા માટે રાજ્ય સરકારે દાયકાથી કેપીટલ ડેવલપમેન્ટ અને સિટી બ્યુટીફિકેશન પ્રોજેક્ટ કરોડોના ખર્ચે હાથ પર લીધા છે. તે અંતર્ગત મહાત્મા મંદિરથી વિધાનસભા વચ્ચેની સેન્ટ્ર વિસ્ટાને સ્વર્ણિમ પાર્ક નામાભિધાન સાથે નવેસરથી વિકસાવાઇ છે.
ઇજનેરી સુત્રોના જણાવવા પ્રમાણે સ્વર્ણિમ પાર્કનું બાકી કામ ખુબ ઝડપથી હાથ ધરાશે અને ફૂડકોર્ટ સહિતના કામો નિર્ધારિત સમય મર્યાદામાં તથા ઉચ્ચ ગુણવત્તાના માપદંડ જાળવવા સાથે પૂર્ણ કરાશે.
પાટનગરમાં ફરવા આવતા નાગરિકો નિરાંતે બેસી શકે તે માટે બીજા તબક્કામાં પણ વધુ સીટીંગ પ્લાઝા બનાવાશે. અહીં હળવી કસરતો કરી શકાય તે માટે જરૂરી સાધનોથી સજ્જ એક્સરસાઇઝ પ્લાઝાનો નાગરિકો વ્યાપક લાભ લઇ રહ્યાં છે. ઉપરાંત વોક-વેનું આકર્ષણ ઉમેરાયુ છે.
સહેલાણીઓની સગવડતા માટે અનોખી ફૂડર્કોટ તો બનશે જ અને અનોખો લેન્ડસ્કેપ ગાર્ડન અનેકવિધ પ્રકારના પ્લાન્ટેશન સાથે વિકસાવાઇ રહ્યો છે. આ કામગીરી માટે અનુભવી એજન્સી નકકી કરીને તેને કામ સોંપી દેવાયુ છે. સ્વર્ણિમ પાર્કમાં આવતા સહેલાણીઓના બાળકો ઘરે જવાનુ નામ ન લે તેવો ચિલ્ડ્રન પ્લાઝા બનાવાષે. જેમાં ફિલ્મોમાં જોવા મળતી ફૂલછોડ અને વેલથી બનાવાતી લીલીછમ્મ ભૂલ ભૂલામણી બનાવવાનું આયોજન છે.
મહાત્મા મંદિર અને દાંડી કુટિરને જોડતો કેબલ સ્ટેડ બ્રિજ અને ગાંધી બાપુના રેંટિયાની પ્રતિકૃતિ સમાન વિન્ડમીલ આ પ્રોજેક્ટ આકર્ષણ બની ગયા છે. વિન્ડ મીલ ચલાવીને વીજળી પણ ઉત્પન્ન કરીને પરિસરની લાઇટ તેનાથી ચલાવાય છે. જ્યારે બ્રિજનો ઉપયોગ મહાત્મા મંદિરથી સીધા દાડી કુટિર જવા માટે થાય છે.